ડેન્ગીને કાબૂમાં લેવામાં નિષ્ફળ સુધરાઈની હવે નવેસરથી ઝુંબેશ

11 December, 2012 07:28 AM IST  | 

ડેન્ગીને કાબૂમાં લેવામાં નિષ્ફળ સુધરાઈની હવે નવેસરથી ઝુંબેશ



ચાર દિવસના સમયગાળામાં એક જ પરિવારના બે મેમ્બરોનાં મૃત્યુ ડેન્ગીથી થતાં સુધરાઈએ હવે નવેસરથી ડેન્ગી માટે કારણભૂત મનાતા મચ્છરોને મારી નાખવા ઝુંબેશ ચલાવવાનો નિર્ણય લીધો છે અને આ વખતે વધુ સ્ટાફને આ કામમાં લગાવ્યો છે. સુધરાઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ વર્ષે ડેન્ગીએ દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે એટલે અમે હવે મુંબઈમાં જ્યાં ડેન્ગીના મચ્છરો એમનાં ઈંડાં મૂકે છે એવા વિસ્તારોમાં દવાનો છંટકાવ વધારી દીધો છે. ડેન્ગી માટે જવાબદાર મચ્છરોને ખતમ કરવાની તેમની અગાઉની ઝુંબેશ નિષ્ફળ ગઈ છે એવું કબૂલવા માટે સુધરાઈ તૈયાર નથી, પણ એમ કહે છે કે અમે આ ઝુંબેશને વધુ અસરકારક બનાવવાનો પ્રયાસ કરીશું.

સુધરાઈએ આપેલા આંકડા મુજબ ૨૦૦૯માં મહારાષ્ટ્રમાં ડેન્ગીના ૨૨૫૫ કેસ નોંધાયા હતા, જે ૨૦૧૦માં ઘટીને ૧૪૮૯ અને ૨૦૧૧માં ૧૧૩૮ રહ્યા હતા. જોકે આ વર્ષે નવેમ્બર સુધીમાં આ આંકડો ૧૭૩૧ સુધી પહોંચી ગયો છે. આ રોગ જેનાથી થાય છે એવા એડીસ જાતિના મચ્છર દિવસના સમયે કરડે છે. મોટા ભાગે કામકાજના સ્થળે મચ્છરો લોકોને કરડતા હોય છે. આ મચ્છરો બંધિયાર પાણીમાં થતા હોય છે અને એથી આવા પાણીનો સંગ્રહ નહીં કરવા માટે સુધરાઈએ લોકોને વિનંતી કરી છે.

ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર મનીષા મ્હઈસકરે રોગચાળા વિશે કહ્યું હતું કે ‘ડેન્ગી દેશભરને સતાવી રહેલી સમસ્યા છે. ડેન્ગીના તામિલનાડુમાં ૯૨૪૯ અને પશ્ચિમબંગમાં ૬૨૨૫ કેસ નોંધાયા છે. એની સામે મહારાષ્ટ્રમાં આ કેસ ઓછા છે. એને ફેલાવતા મચ્છરો મારવાની ઝુંબેશ નિષ્ફળ ગઈ નથી. આમ છતાં પણ નવેસરથી બીજી ઝુંબેશ હાથ ધરવામાં આવ્ાી છે. આવા મચ્છરો જ્યાં વધુ પ્રમાણમાં થતા હોય છે એવા ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં દવાનો વધુ છંટકાવ કરવામાં આવશે.’