ત્રણ બનાવટી પોલીસે એસ્ટેટ એજન્ટનું અપહરણ કરી બે કરોડની ખંડણી માગી

10 December, 2012 07:43 AM IST  | 

ત્રણ બનાવટી પોલીસે એસ્ટેટ એજન્ટનું અપહરણ કરી બે કરોડની ખંડણી માગી


આ સંદર્ભમાં અંધેરી પોલીસે ગઈ કાલે કાંદિવલીની દહાણુકરવાડીમાં રહેતી ૬૦ વર્ષની દેવયાની અને ૩૮ વર્ષના પ્રેમચંદ્ર જયસ્વાલની ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું હતું કે આરોપીઓએ કમલાકાંતનું અપહરણ કરીને તેની પાસેથી ૧૦ ગ્રામની બે સોનાની વીંટી, ૩૫ ગ્રામની સોનાની ચેઇન અને રોકડા ૬૧૪૧ રૂપિયા મળી કુલ ૧,૬૬,૧૪૧ રૂપિયાની મતા લૂંટી લીધી હતી.

અંધેરી પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘ગોરેગામ (ઈસ્ટ)ના લીલી ટાવર પાસે આવેલી મંત્રીપાર્ક સોસાયટીમાં રહેતા અને એસ્ટેટ એજન્ટનું કામ કરતા કમલાકાંતને ગુરુવારે બપોરે પ્રૉપર્ટીના મામલે દેવયાનીનો ફોન આવ્યો હતો એટલે કમલાકાંત તેને મળવા સાડાબાર વાગ્યે અંધેરી-સહાર રોડ પર ગયો હતો. એ વખતે ત્રણ યુવકો અમે પોલીસ છીએ અને તેં ૨૫ કરોડ રૂપિયાનો ગોટાળો કયોર્ છે એવું કહીને કમલાકાંતને તેની જ કારમાં લઈ જઈને તેનું અપહરણ કર્યું હતું. આરોપીઓએે કારમાં કમલાકાંતનાં સોનાનાં ઘરેણાં અને કૅશ ઝૂંટવી લીધાં હતાં. ત્યાર બાદ તેમણે કમલાકાંતની મારઝૂડ કરીને તેની પાસે બે કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. જોકે શુક્રવારે અંધેરી પોલીસ-સ્ટેશનમાં કમલાકાંત ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાતાં એ દિવસે સાંજે પાંચ વાગ્યે આરોપીઓએ તેને છોડી દીધો હતો. પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે છટકું ગોઠવીને ગઈ કાલે આરોપીઓની ધરપકડ કરી હતી.’