આરોપીઓની મિજબાની માણ્યા બાદ બેહોશ થયેલા સાત પોલીસ સસ્પેન્ડ થયા

09 December, 2012 07:34 AM IST  | 

આરોપીઓની મિજબાની માણ્યા બાદ બેહોશ થયેલા સાત પોલીસ સસ્પેન્ડ થયા



નવી દિલ્હીમાં પોલીસોને મિજબાની આપવાના નામે બેહોશીની દવા ભેળવેલું ભોજન ખવડાવીને પોલીસોના સકંજામાંથી નાસી છૂટેલા બે આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે, પણ આ કેસમાં નવી મુંબઈના પોલીસ-કમિશનર અશોક શર્માએ આ મિજબાની માણનારા સબ-ઇન્સ્પેક્ટર પાંડુરંગ કાળે અને છ કૉન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દીધા છે.

હાઇવે પર લૂંટફાટ અને લોકોની સાથે છેતરપિંડી કરવાના કેસમાં પકડાયેલા ગુરુચરણ સિંહ ચહલ અને સુમિત મારોળાને નવી મુંબઈની પોલીસે વધુ તપાસ માટે તાબામાં લીધા હતા અને તેમને તળોજા જેલમાં રાખવામાં આવ્યા હતા. વધુ તપાસ માટે તેમને નવી દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. આ આરોપીઓ સાથે સાત પોલીસની ટીમ ગઈ હતી. આરોપીઓએ નવી દિલ્હીમાં તેમના ઘરે પોલીસોને મિજબાની આપી હતી જેમાં બેહોશીની દવા ભેળવેલું ભોજન પોલીસોને પીરસવામાં આવતાં આ સાતેય પોલીસો બેહોશ થતાં આરોપીઓ નાસી છૂટ્યા હતા. જોકે દિલ્હી પોલીસે આરોપીઓને પકડી લીધા હતા. બેહોશ પોલીસો ભાનમાં આવ્યા પછી તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પછી નવી દિલ્હી પોલીસે તેમની ધરપકડ કરી હતી. શુક્રવારે તેમના જામીન મંજૂર થયા હતા. જોકે ફરજ વખતે બેદરકારી બતાવનારા આ પોલીસોને હાલમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.