રેલવેએ પોતાના સ્ટાફને ટિકિટ વિના પ્રવાસ કરતાં ઝડપી લીધો

08 December, 2012 08:38 AM IST  | 

રેલવેએ પોતાના સ્ટાફને ટિકિટ વિના પ્રવાસ કરતાં ઝડપી લીધો



લાંબા અંતરની ટ્રેનોના પ્રવાસીઓની વારંવારની ફરિયાદ બાદ સેન્ટ્રલ રેલવેના અધિકારીઓએ રેલવે પ્રોટેક્શન ર્ફોસ (આરપીએફ)ની મદદ લઈને ખાસ ઝુંબેશ હાથ ધરી હતી અને રેલવેના ૨૦ કરતાં વધારે કર્મચારીઓને યોગ્ય પાસ કે ટિકિટ વગર લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસ કરતા ઝડપી લીધા છે.

રેલવે-અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે તેમને લાંબા અંતરની ટ્રેનમાં રિઝવ્ર્ડ કમ્પાર્ટમેન્ટમાં અનધિકૃત વ્યક્તિઓ પ્રવાસ કરતી હોવાની અનેક લેખિત અને મૌખિક ફરિયાદો મળી હતી. એના સંદર્ભમાં વિદર્ભ એક્સપ્રેસ સહિતની લાંબા અંતરની અનેક ટ્રેનોમાં વ્યસ્ત કલાકો દરમ્યાન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ વિશે વાત કરતાં રેલવેના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમે ૪ ડિસેમ્બરે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું અને ખબર પડી હતી કે જે ટ્રેનમાં પ્રવાસ કરવાનો હક નહોતો એ ટ્રેનમાં પ્રવાસ કરતા કેટલાક

રેલવે-અધિકારીઓ પકડાઈ ગયા હતા. આ ઝુંબેશ સીએસટીથી કલ્યાણ, કર્જત અને કસારામાં હાથ ધરવામાં આવી હતી. જે કર્મચારીઓ પકડાયા છે તેમના પાસ જપ્ત કરી લેવામાં આવ્યા હતા અને તેમના સિનિયરોને સત્તાવાર લેખિત ફરિયાદ કર્યા બાદ જ તેમને પાસ પાછા આપવામાં આવશે. તેઓ જ્યારે સિનિયરોને વચન આપશે કે તેઓ ફરી આવી ભૂલ નહીં કરે ત્યારે જ તેમને તેમના પાસ પાછા મળશે.’

રેલવે-અધિકારીઓના આ પ્રયાસથી પ્રવાસીઓ બહુ ખુશ થયા છે. રેલવેના અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે તેમણે આ વખતે તો એક જ દિવસ માટે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું, પણ હવે સમયાંતરે આવી ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ પહેલી ઝુંબેશ લગભગ છ મહિનાના અંતરાલ પછી હાથ ધરવામાં આવી હતી. આ વિશે વાત કરતાં સેન્ટ્રલ રેલવેના જનસંપર્ક અધિકારી એ. કે. સિંહે કહ્યું હતું કે ‘આ વખતે અમે લાંબા અંતરની ટ્રેનોમાં યોગ્ય પાસ વગર મુસાફરી કરતા અનધિકૃત પ્રવાસીઓને અમારા સરપ્રાઇઝ ચેકિંગમાં પકડી પાડ્યા છે. આ એક સરપ્રાઇઝ ચેકિંગ હતું અને ભવિષ્યમાં પણ આવું ચેકિંગ કરવામાં આવશે.’