રૅશનિંગ ડિપાર્ટમેન્ટની કનડગતના વિરોધમાં દાણાબંદરના વેપારીઓની હડતાળનો અંત

07 December, 2012 06:36 AM IST  | 

રૅશનિંગ ડિપાર્ટમેન્ટની કનડગતના વિરોધમાં દાણાબંદરના વેપારીઓની હડતાળનો અંત


રૅશનિંગ ડિપાર્ટમેન્ટે તેમનો ગોદામોમાં અટકેલો માલ છૂટો કરતાં અને થાણેના પાલક પ્રધાન ગણેશ નાઈકે હવે પછી વેપારીઓની કનડગત નહીં થાય એવી બાંયધરી આપી હોવાથી બેમુદત હડતાળનો અંત આવ્યો છે. આજથી દાણાબંદરનું કામ રાબેતા મુજબ શરૂ થઈ જશે અને દેશાવરથી પણ માલ આવવા માંડશે.

આ મુદ્દે ગઈ કાલે દાણાબંદરના વેપારીઓની એક મીટિંગ ગ્રોમા હાઉસમાં મળી હતી. એમાં ગ્રોમાના પ્રમુખ જયંતીલાલ રાંભિયા, ઉપપ્રમુખ લાડકભાઈ, સેક્રેટરી કાનજી ગાલા, જયેશ રામી, એપીએમસીના ડિરેક્ટર જયેશ વોરા, આંદોલનના કન્વીનર અશોક બડિયા, દેવેન્દ્ર વોરા અને અનેક વેપારીઓ હાજર રહ્યા હતા. આ બાબતે વધુ જણાવતાં દેવેન્દ્ર વોરાએ કહ્યું હતું કે ‘રૅશનિંગ ડિપાર્ટમેન્ટ તરફથી અમને પૉઝિટિવ રિસ્પૉન્સ મળ્યો હતો અને તેમણે કોલ્ડ સ્ટોરેજમાં અટકાવેલા ૮૧ વેપારીઓના માલમાંથી ૫૯ જણનો માલ રિલીઝ કરી દીધો હતો. આ ઉપરાંત થાણેના પાલક પ્રધાન ગણેશ નાઈકે પણ ખાતરી આપી છે કે હવે પછી રૅશનિંગ ડિપાર્ટમેન્ટની કનડગત નહીં થાય. રૅશનિંગ ડિપાર્ટમેન્ટની એક ઑફિસ બજારમાં પણ ખોલવાનું નક્કી કરવામાં આવ્યું છે. વળી વેરહાઉસિંગના નિયમો પણ સરળ બનાવવામાં આવશે. આમ વેપારીઓએ બતાવેલી એકતાને કારણે બધી જ બાજુથી પૉઝિટિવ રિઝલ્ટ મળતાં બેમુદત હડતાળનો અંત લાવવામાં આવ્યો છે. આજથી દાણાબંદર રાબેતા મુજબ શરૂ થઈ જશે અને દેશાવરથી પણ માલ મગાવવાનું આજથી શરૂ કરવામાં આવશે.’