શિવાજી પાર્કમાં શિવસેનાને કામચલાઉ સમાધિ પણ હટાવવા સુધરાઈનું અલ્ટિમેટમ

05 December, 2012 06:06 AM IST  | 

શિવાજી પાર્કમાં શિવસેનાને કામચલાઉ સમાધિ પણ હટાવવા સુધરાઈનું અલ્ટિમેટમ


બાળ ઠાકરેના અવસાન બાદ તેમનું સ્મારક શિવાજી પાર્કમાં થાય એવી માગણી અગાઉ શિવસેનાએ કરી હતી. જોકે બાદમાં થોડીક નરમાશ બતાવતાં ભવ્ય સ્મારકની જગ્યાએ માત્ર સમાધિ યથાવત્ રાખવી એવી વાત કરી હતી, પરંતુ સરકારે આ મામલે પહેલાંથી જ કહ્યું છે કે બાળ ઠાકરેના અવસાન બાદ માત્ર બે દિવસ માટે આ મેદાન શિવસેનાને આપવામાં આવ્યું હતું. જોકે ત્યાર બાદ શિવસેનાએ આ મેદાન ખાલી કર્યું નથી.

રાજ્યના ચીફ સેક્રેટરી જયંતકુમાર બાંઠિયાએ શનિવારે સુધરાઈ તેમ જ પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે બેઠક કરી આ મામલે શું કાર્યવાહી કરી શકાય એની ચર્ચા કરી હતી. આ બેઠક બાદ જ સુધરાઈએ સંજય રાઉત તથા સુનીલ પ્રભુને નોટિસ ફટકારી છે. સંજય રાઉતે કહ્યું છે કે ‘આ સ્થળની પવિત્રતા સચવાવી જોઈએ. આ સ્થળ અમારા માટે અયોધ્યા સ્થળ જેવું પવિત્ર છે. અમે આ સ્થળને હટાવવા નહીં દઈએ.’

વધુમાં તેમણે સરકારને આ મામલે હસ્તક્ષેપ ન કરવા જણાવ્યું હતું. મેયર સુનીલ પ્રભુએ કહ્યું કે આ સ્થળ ગેરકાયદેસર છે તો શહેરમાં ઘણાં એવાં ગેરકાયદેસર સ્થળો છે.

દરમ્યાન મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસ કમિટી (એમપીસીસી)એ કહ્યું કે શિવાજી પાર્કને છોડીને અન્ય કોઈ સ્થળે શિવસેના સુપ્રીમો દિવંગત બાળ ઠાકરેનું સ્મારક બનાવવાનો તેઓ વિરોધ નહીં કરે. એક પત્રકાર-પરિષદમાં એમપીસીસીના પ્રવક્તા સચિન સાવંતે કહ્યું કે ‘બ્રિટિશરોના વખતથી આ મેદાન શિવાજી પાર્ક તરીકે જાણીતું છે. એમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય એનો અમે વિરોધ કરીએ છીએ. અન્ય કોઈ સ્થળે સ્મારક બને એની સામે અમને કોઈ વાંધો નથી. શિવસેના રાજકીય લાભ મેળવવા માટે આ મુદ્દાને ચગાવી રહી છે.’

છઠ્ઠી ડિસેમ્બરે ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનર્વિાણદિન નિમિત્તે લાખો દલિતો ચૈત્યભૂમિ પર આવે છે. તેમની વ્યવસ્થા માટે શિવાજી પાર્કનો ઉપયોગ થતો હોય છે. તેથી એ પહેલાં આ સમાધિ ત્યાંથી હટાવવામાં આવે એવી સરકારની યોજના છે. જો શિવસેનાએ જાતે આ સમાધિસ્થળ ન હટાવ્યું તો સુધરાઈ જાતે આ કાર્યવાહી કરશે.