એક મહિનામાં દીપડાએ ચાર જણના જીવ લીધા

28 November, 2012 06:52 AM IST  | 

એક મહિનામાં દીપડાએ ચાર જણના જીવ લીધા



વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ‘સાંજે પાંચ વાગ્યાની આસપાસ પવઈસ્થિત એક પુખ્ત દીપડો મરોશીપાડા નજીક ગોઠવેલી જાળમાં ફસાઈ ગયો હતો અને એ દીપડાને સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.’

છેલ્લાં કેટલાંક અઠવાડિયાંઓથી આદિવાસી રહેવાસીઓએ વન વિભાગને નિયમિત રીતે વારંવાર દીપડો જોયાની ફરિયાદ કરી હતી જેથી દીપડાને ઓળખી શકાયો હતો. અધિકારીએ ઉમેર્યું હતું કે ‘દીપડાએ ૫૦ વર્ષની સીતા પાંગે પર હુમલો કર્યો હતો અને એ સિવાય શ્વાનો પર પણ હુમલા કર્યાના ઘણા કેસો છે.’

ભાંડુપના ટેંભીપાડામાં આવેલા સ્લમ વિસ્તારમાં રહેતા બાળકને શનિવારે રાત્રે અન્ય એક દીપડાએ મારી નાખ્યો હતો. તેની માતા ઉષા યાદવ પ્રશાસન પાસે આ બાબતે ફરિયાદ કરવા જઈ રહી હતી. ઉષા યાદવ ઝાડીમાંથી જઈ રહી હતી ત્યારે દીપડાએ ઝાડીમાંથી બહાર આવી તેની પર હુમલો કર્યો હતો અને તેને જંગલમાં લઈ ગયો હતો. ત્યાર બાદ સ્થાનિક લોકોએ શોધ શરૂ કરી હતી અને વનમાંથી તેનો મૃતદેહ શોધ્યો હતો. હાલમાં જ દીપડાએ હુમલો કર્યાના ચાર બનાવો બની ગયા છે.

એ સિવાય મુલુંડના સ્લમ વિસ્તારમાં રહેતી ૭ વર્ષની સંજના થોરાતને ૧૫ જુલાઈએ દીપડાએ મારી નાખી હતી અને પવઈ નજીક આવેલા મરોશીપાડામાં રહેતી સીતા પાંગે વન પ્રશાસન પાસે ફરિયાદ માટે ગઈ હતી ત્યારે બીજી નવેમ્બરે તેને દીપડાએ મારી નાખી હતી. તેમ જ પાંચ નવેમ્બરે પણ એસજીએનપીમાંથી એક અજાણ્યો મૃતદેહ મળી આવ્યો હતો.

વન અધિકારીઓ અને નિષ્ણાતના જણાવ્યા મુજબ આવા બનાવોને કારણે આ સ્લમ વિસ્તારમાં તાત્કાલિક શૌચાલયો બનાવવાની જરૂર છે, કારણ કે આવા બનાવો ત્યાંથી પ્રસાધનમાં જવાને કારણે જ બન્યા છે.’

એસજીએનપી = સંજય ગાંધી નૅશનલ પાર્ક