બાળ ઠાકરેના અસ્થિવિસર્જનનું બહાનું કરીને રિઝર્વ્ડ સીટ પચાવી

28 November, 2012 03:42 AM IST  | 

બાળ ઠાકરેના અસ્થિવિસર્જનનું બહાનું કરીને રિઝર્વ્ડ સીટ પચાવી



મુંબઈના સીએસટીથી વારાણસી સુધી જવા માટે કુર્લાના બે રહેવાસીઓએ અનોખો માર્ગ અપનાવ્યો હતો, પણ વારાણસીમાં તેમની સાથે પ્રવાસ કરનારાઓને આ બાબતની જાણ થતાં તેમને ધીબેડી નાખ્યા હતા અને ભવિષ્યમાં તેઓ આવું નહીં કરે એવી પ્રતિજ્ઞા લેવડાવીને છોડ્યા હતા.

૩૦ વર્ષના અશોક સિંહ અને ૩૨ વર્ષના સચિન વર્માને વારાણસી જવું હતું, પણ તેમની પાસે રિઝર્વેશન નહોતું. એથી તેઓ ૨૨ નવેમ્બરે સીએસટીથી મહાનગરી એક્સપ્રેસના સ્લીપર ક્લાસના રિઝર્વેશન ધરાવતા એક ડબ્બામાં ઘૂસી ગયા અને એક સીટ પર ત્રાંબાનો એક કળશ લાલ કપડું લપેટીને મૂકી દીધો. જ્યારે આ સીટનું રિઝર્વેશન ધરાવતા પૅસેન્જર ટ્રેનમાં આવ્યા ત્યારે તેમને આ બન્નેએ કહી દીધું કે ‘આ કળશમાં શિવસેના પ્રમુખ બાળ ઠાકરેનાં અસ્થિ છે અને અમે ગંગા નદીમાં એને પધરાવવા જઈ રહ્યા છીએ. આ કળશને નીચે મૂકીએ તો બાળ ઠાકરેનું અપમાન થાય એમ છે.’

તેમની આ વાતથી સાથીપૅસેન્જરો પણ માની ગયા કે વાત સાચી હશે અને તેથી કોઈએ વાંધો ઉઠાવ્યો નહીં. રસ્તામાં આ બન્ને જણાએ ચા, નાસ્તો કે પેપર વેચતા ફેરિયાઓ પાસેથી ખરીદી કરી, પણ એકેય રૂપિયો ચૂકવ્યો નહીં. જોકે તેઓ જ્યારે વારાણસી ઊતર્યા ત્યારે અસ્થિકળશ લેવાનું ભૂલી ગયા એથી બીજા પૅસેન્જરોએ યાદ અપાવી ત્યારે તેઓ તેમના પર હસ્યા અને એમાં અસ્થિ નહીં હોવાનું જણાવ્યું. આથી સાથીપૅસેન્જરો તેમના પર તૂટી પડ્યા અને તેમની ધુલાઈ કરી નાખી.

રેલવે અધિકારીઓ જણાવે છે કે ઉત્તર ભારત જવા માટે ભારે ધસારો રહેતો હોવાથી ઘણા પૅસેન્જરો આવી ટ્રિક અજમાવતા હોય છે.