ચોરોએ જ વૉચમૅનને બાંધી દીધો

25 November, 2012 03:52 AM IST  | 

ચોરોએ જ વૉચમૅનને બાંધી દીધો



વિલે પાર્લે (ઈસ્ટ)ના રેલવે-સ્ટેશન પાસે આવેલી જય સર્વમંગલ જ્વેલરી શૉપમાં ચોરી કરવાના ઇરાદાથી ગઈ કાલે સવારે સાડાપાંચ-છ વાગ્યે છ યુવકો ઘૂસી ગયા હતા, પણ બિલ્ડિંગના વૉચમૅનની સતર્કતાથી ચોરીનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આ સંદર્ભે વિલે પાર્લે પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે છ યુવકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને વૉચમૅન પાસે વધુ માહિતી જાણીને આરોપીઓના સ્કેચ પણ બનાવવામાં આવશે એમ પોલીસે કહ્યું હતું. આ જ્વેલરી શૉપની બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કૅમેરા પણ ખરાબ હોવાનું પોલીસે જણાવ્યું હતું. જોકે અગાઉ પણ ચાર મહિના પહેલાં આવી જ રીતે આ વિસ્તારમાં એક દુકાનમાં ચોરી થઈ હતી.

વિલે પાર્લે (ઈસ્ટ)માં આવેલી શામકમલ સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી સર્વમંગલ જ્વેલરી શૉપમાં ચોરી કરવાના ઇરાદાથી ગઈ કાલે છ યુવકો બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા. એ વખતે ફરજ બજાવતા વૉચમૅને તેમને રોકવાનો પ્રયાસ કયોર્ ત્યારે ચોરોએ વૉચમૅનને પકડી લીધો હતો અને તેને ચૂપચાપ એક ખૂણામાં શાંત બેસી રહેવાની ધમકી આપી હતી, પણ વૉચમૅન તેમના કબજામાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. તેણે તરત જ બિલ્ડિંગના રહેવાસીઓને મદદ માટે બોલાવી લીધા હતા. ત્યાર બાદ બિલ્ડિંગના ચૅરમૅન જે. શેટ્ટીએ પોલીસને ફોન કરી મદદ માટે બોલાવી લીધી હતી. દરમ્યાન આરોપીઓ ચોરી કર્યા વગર જ રેલવે-સ્ટેશન તરફ નાસી ગયા હતા.

સોસાયટીના સેક્રેટરી બકુલેશ ઠક્કરે કહ્યું હતું કે ‘મારી કેમિસ્ટની દુકાન છે અને બે વર્ષ પહેલાં એમાંથી આવી જ રીતે ચોરો ૧.૨૦ લાખ રૂપિયા ચોરીને નાસી ગયા હતા. અમારી સોસાયટી સહિત આ વિસ્તારમાં ૨૦થી ૨૫ ચોરી આ જ રીતે થઈ છે, પણ કોઈ ગૅન્ગ હજી સુધી પકડાઈ નથી. ચોરોને પકડવા માટે અમારા વિસ્તારમાં હવે સીસીટીવી કૅમેરા બેસાડવાની જરૂર છે.’