ભોળાનાથ ભુવનના માલિક સામે કાર્યવાહી કરશે સુધરાઈ

22 November, 2012 06:52 AM IST  | 

ભોળાનાથ ભુવનના માલિક સામે કાર્યવાહી કરશે સુધરાઈ



શિરીષ વક્તાણિયા

ગિરગામના ખાડિલકર રોડના શેણવી વાડી વિસ્તારમાં આïવેલી ભોલાનાથ ભુવન બિલ્ડિંગમાં રહેતા ૩૦ વર્ષના મિલન પરમારના ઘરની સામે ગંદકી કરીને તેમના આરોગ્ય સાથે ચેડાં કરવાના કેસમાં હવે સુધરાઇએ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે અને હવે આ બિલ્ડિંગના રહેવાસીઓ તેમ જ માલિક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

મિલન પરમારના બિલ્ડિંગના રહેવાસીઓએ રોજ તેમના ઘરથી કચરો નીચે ફેંકે છે અને તેને કારણે આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં મિલનના ઘરની સામે ઘણી ગંદકી રહેતી હોય છે. ૮ નવેમ્બરના ‘મિડ-ડે LOCAL’ માં મિલન પરમારની વ્યથાને વાચા આપવામાં આવી હતી. આ અહેવાલને ધ્યાનમાં લઇને સુધરાઇએ હવે કામગીરી હાથ ધરી છે. મિલનની ૧૩ વર્ષની દીકરી મિતાલી શારીરિક રીતે અક્ષમ છે અને તેને અને સમગ્ર પરિવારને આ કચરાને કારણે મચ્છરો તથા ઘણા રોગનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં આ વિસ્તારમાં ડેન્ગી પણ ફેલાયો હતો.

સુધરાઇના ઓફિસર સંતોષ બિલારેએ કહ્યું હતું કે ‘આ બિલ્ડિંગમાં રહેવાસીઓને અમે અગાઉ પણ ઘણી નોટિસ મોકલી છે, પણ રહેવાસીઓ અમારી નોટિસનું માન રાખતા નથી. આ બિલ્ડિંગ ભાડાની છે, એથી કાયદા અનુસાર હવે અમે બિલ્ડિંગના માલિક સુનિલ કર્ણિક વિરૂદ્ધ અમે હવે જરૂર કાર્યવાહી કરીશું. મિલન પરમારના અને દરેક રહેવાસીઓને તેમના ઘરની બહાર જાળીઓ બાંધવાની સલાહ પણ અમે આપી હતી, પણ દિવાળીની રજા હોવાને કારણે કાર્યવાહી કરવામાં અમને સમય લાગ્યો હતા. જો આ બિલ્ડિંગનો માલિક અમારા આદેશનું પાલન નહીં કરે તો ત્યાર બાદ કાયદાકીય રીતે અમે તેને દંડ ફટકારી કોર્ટમાં તેના વિરૂદ્ધ કેસ કરીશું.’

મિલનનું કહેવું છે કે ‘હું હવે ઘણો કંટાળી ગયો છું, આ કચરાને કારણે મારું જીવવું મુશકેલ થઇ ગયું છે. હવે હું શું કરું?

મિલન હાલમાં ઘણી મુસીબતમાં છે. જો તમે મિલનની મદદ કરવા કે તેમને સુઝાવ આપવા ઇચ્છતા હો તો ‘ મિડ-ડે LOCAL’ નો સંપર્ક કરવો. અમે તમારી વાત સુધરાઇ સુધી પહોંચાડીશું.