થાણેનું સ્મશાન છે સમસ્યાનો ભંડાર

21 November, 2012 07:40 AM IST  | 

થાણેનું સ્મશાન છે સમસ્યાનો ભંડાર



થાણે મહાનગરપાલિકાના રેઢિયાળ વહીવટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે થાણે-ઈસ્ટમાં આવેલું સ્મશાન. આ સ્મશાનભૂમિમાં અંતિમક્રિયા માટે આ સ્મશાનમાં લાવવામાં આવેલા મૃતદેહોની નોંધ કરવા માટે પણ કોઈ વહીવટી અધિકારી હાજર હોતો નથી. જાળવણીના અભાવે આ સ્મશાનભૂમિમાં અનેક પ્રકારની સમસ્યાઓ નિર્માણ થઈ છે.

થાણેના રહેવાસી આદિત્ય કે.ને તાજેતરમાં થાણે-ઈસ્ટના સ્મશાનમાં જવું પડ્યું ત્યારે તેમને આ સ્મશાનની દુર્દશાનો અનુભવ થયો હતો. તેણે આપેલી માહિતી મુજબ તેના કાકાના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે થાણે-ઈસ્ટના સ્મશાનમાં લઈ ગયો ત્યારે ત્યાં મરણની નોંધ કરવા માટે કોઈ વહીવટી અધિકારી હાજર નહોતો. ઇલેક્ટિÿક સ્મશાનભૂમિને ઑપરેટ કરવા માટે ઑપરેટર પણ નહોતો. તેણે અન્ય સમસ્યાઓ માટે કહ્યું હતું કે ‘અંતિમક્રિયા કરવામાં ખાસ્સી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, કેમ કે સ્મશાનમાં અંધારું હતું. અધૂરામાં પૂરું અમને માર્ગદર્શન આપવા માટે પણ સ્મશાનમાં કોઈ નહોતું. અડધો કલાક રાહ જોયા બાદ અમે જાતે જ અંતિમક્રિયા કરવાનું નક્કી કર્યું હતું. ખરી મુસીબત તો ત્યાર બાદ શરૂ થઈ હતી. સુધરાઈના અધિકારીઓ હવે ડેથ સર્ટિફિકેટ આપવામાં સમસ્યા નિર્માણ કરી રહ્યા છે, કેમ કે અંતિમક્રિયા કરવામાં આવી હોવાનો પુરાવો તેમની પાસે નથી.’

થાણે-ઈસ્ટમાં વાઘબિળમાં બીજું એક સ્મશાન આવેલું છે, પરંતુ આ સ્મશાનમાં અંતિમક્રિયા કરવા સામે સ્થાનિક રહેવાસીઓનો વિરોધ હોવાથી કોઈ ત્યાં જતું નથી. આથી તેમને થાણે સ્ટેશન પાસે આવેલા સ્મશાનમાં જવાની ફરજ પડે છે. અહીં ક્લાર્ક ન હોવાથી અંતિમક્રિયા માટેનું સર્ટિફિકેટ આપવામાં આવતું નથી, જેથી ડેથ સર્ટિફિકેટ મેળવવામાં મુશ્કેલી પડે છે.

એક રહેવાસીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘છેલ્લા છ મહિનાથી લોકોને આ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ક્લાર્કની નિયુક્તિ કરવામાં આવી હોવા છતાં કોઈ ત્યાં હાજર રહેતું ન હોવાથી સમસ્યા સર્જાય છે. એટલું જ નહીં આ સ્મશાનમાં તો મૂળભૂત સુવિધાઓ જેવી કે પીવાનું પાણી, લાઇટ અને ટૉઇલેટની પણ સુવિધા નથી. સ્મશાનમાં ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. વર્ષોથી ઘાસ કાપવામાં આવ્યું નથી. આ બધા પરથી સુધરાઈની બેદરકારી આંખે ઊડીને વળગે છે.’

અન્ય એક રહેવાસી અરુણ જાધવે કહ્યું હતું કે ‘આ સ્મશાનની બિલકુલ જાળવણી કરવામાં આવી નથી. આથી જ લોકો આ સ્મશાનમાં સ્વજનોને અંતિમક્રિયા માટે લાવતાં અચકાય છે. દરેક મૃતાત્માને સન્માનજનક અંતિમ વિદાય મળવી જોઈએ. જોકે સુધરાઈના સત્તાવાળાઓ આ વાત સાથે સહમત હોય એવું લાગતું નથી.’