કેમિકલ અટૅકરને પોતાની કરણી પર કોઈ પસ્તાવો નથી

13 November, 2012 08:04 PM IST  | 

કેમિકલ અટૅકરને પોતાની કરણી પર કોઈ પસ્તાવો નથી



યુવતી પર કેમિકલથી હુમલો કરનારા ૪૪ વર્ષના જેરિટ જી. જૉનના ચહેરા પર પૂછતાછ દરમ્યાન પસ્તાવાના કોઈ પણ ભાવ દાદર પોલીસને દેખાયા નહોતા. આર્યંકા હોસબેટકર પર કરેલા હુમલાની કોઈ પણ વિગતો છુપાવવાના પણ આરોપીએ પ્રયત્ન કર્યા નહોતા. દાદર પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર ભોઇટેએ કહ્યું હતું કે ‘જેરિટ જૉને અમને કહ્યું કે હું તેનું ભવિષ્ય બરબાદ કરી નાખવા માગું છું, કારણ કે તેણે મને દગો દીધો હતો.’

વાશીમાં રહેતા જેરિટ જૉનને છેલ્લા ૧૧ મહિનાથી વરલીના આદર્શનગરમાં રહેતી ૨૬ વર્ષની આર્યંકા હોસબેટકર સાથે સંબંધો હતો. છ નવેમ્બરે આરોપીએ તેના ચહેરા પર હાનિકારક રસાયણ ફેંક્યું હતું, કારણ કે તેમના સંબંધોમાં ખટરાગ ઊભો થયો હતો.

 દાદર પોલીસના જણાવ્યા પ્રમાણે હજી એણે આ કેસના સંદર્ભમાં જેરિટ જૉનનું સ્ટેટમેન્ટ લીધું નથી. આરોપીએ પ્રાથમિક તપાસ દરમ્યાન જ આ તમામ વાતો કરી હતી. મહિલાને કાયમી પાઠ ભણાવવા માટે જ તેના ચહેરા પર આરોપીએ કેમિકલનો હુમલો કર્યો હતો. જેરિટ જૉને પોલીસ સમક્ષ એવો દાવો કરતાં કહ્યું કે તેને મહિલા સાથે સંબંધ હતા, જેથી તેણે બે નવેમ્બરે જ પોતાની પત્નીને ડિવૉર્સ આપવા થાણેની ર્કોટમાં દાવો પણ દાખલ કર્યો હતો. ર્કોટની કાર્યવાહી દરમ્યાન જ મહિલાએ તેને એક પત્ર લખ્યો કે પોતે હવે કોઈ સંપર્ક રાખવા માગતી નથી.

દાદર પોલીસની તપાસ દરમ્યાન જેરિટ જૉને કહ્યું હતું કે આ મહિલા સાથે લગ્ન કરવા માટે જ તેણે ડિવૉર્સ માટે અરજી કરી હતી તેથી તે ખૂબ જ નારાજ થઈ ગયો હતો. પોલીસ-ઑફિસરના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૧૧ મહિનાથી જેરિટ તથા આર્યંકા વચ્ચે સંબંધો હતા. જેરિટ એક પરિણીત વ્યક્તિ હતો, જેને પાંચ વર્ષનું બાળક પણ છે. બે નવેમ્બરે તેણે છૂટાછેડા માટે અરજી પણ કરી, પરંતુ તેને બીજી એક છોકરી સાથે પણ સંબંધો હોવાની શંકા આર્યંકાને આવી હતી.

બોરીવલીની યુવતીને હું કોઈ હાનિ પહોંચાડવા માગતો નહોતો

પોલીસનું એવું કહેવું હતું કે જેરિટ જૉનનો એવો દાવો છે કે તે બોરીવલીમાં રહેતી યુવતીને કોઈ નુકસાન પહોંચાડવા માગતો નહોતો. જોકે બોરીવલીમાં રહેતી યુવતીએ બારણું જ ખોલ્યું નહોતું, કારણ કે આર્યંકાએ તે યુવતીને આરોપી હાનિકારક કેમિકલ લઈને આવી રહ્યો હોવાની માહિતી આપી હતી. બોરીવલીમાં રહેતી યુવતી, જેરિટ તથા આર્યંકા ત્રણે સાઇક્લિંગ ગ્રુપના સભ્યો હતાં જેઓ વિવિધ સ્થળોની મુલાકાત સાઇકલ પર લેતાં હતાં.

પોલીસના જણાવ્યા મુજબ કેટલાંક તથ્યો જેરિટ જૉન છુપાવી રહ્યો છે. એથી જ તેણે પોતાનું લૅપટૉપ પણ ફૉર્મેટ કરી નાખ્યું છે. દાદર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઑફિસરે જણાવ્યું હતું કે જો તેની ઈ-મેઇલ અમને મળી જાય તો ચોકક્સ આ દિશામાં પણ વધુ માહિતી મળી શકશે.

પોલીસે કહ્યું કે પોતાની ઑફિસમાં શૉર્ટ ફિલ્મો બનાવતો હોવાને કારણે આ ઍસિડની ઘાતક અસરની આરોપીને જાણ હતી.