ચોરી ઉપર શિરજોરી

13 November, 2012 05:47 AM IST  | 

ચોરી ઉપર શિરજોરી



વેસ્ટર્ન રેલવેની વસઈથી બોરીવલી આવી રહેલી એક ટ્રેનના શારીરિક રીતે અક્ષમ લોકોના ડબ્બામાં રવિવારે બપોરે ગેરકાયદે રીતે ચડેલા ત્રણ પૅસેન્જરોએ આ ડબ્બામાં પ્રવાસ કરતા શારીરિક રીતે અક્ષમ ૫૮ વર્ષના હંસરાજ ગડાની મારઝૂડ કરી હતી. હંસરાજ ગડાએ આ સંદર્ભે બોરીવલી રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)માં ફરિયાદ કરતાં આરપીએફે ૩૧ વર્ષના ઇમ્તિયાઝ ખાન, તેની પત્ની શબનમ ખાન અને ૨૩ વર્ષના ઝલક શાહની ગેરકાયદે શારીરિક રીતે અક્ષમ લોકોના ડબ્બામાં પ્રવાસ કરવા બદલ ધરપકડ કરી હતી અને દરેક પાસેથી ૫૦૦ રૂપિયા દંડરૂપે વસૂલ્યા હતા.

વેસ્ટર્ન રેલવેના આરપીએફના એક અધિકારીએ કહ્યું હતું કે ‘વસઈમાં રહેતા હંસરાજની ૨૧ વર્ષની દીકરી રવિવારે બપોરે બોરીવલીથી સયાજીનગરી એક્સપ્રેસમાં ભુજ જવાની હતી એથી હંસરાજ તેમની માતા સાથે વસઈથી બોરીવલી આવી રહ્યા હતા. જોકે એ આખો ડબ્બો ભરાયેલો હતો. એ ટ્રેન મીરા રોડ સ્ટેશન પહોંચી ત્યારે ઇમ્તિયાઝ, શબનમ અને ઝલક ડબ્બામાં ચડી ગયાં હતાં અને તેઓ દરવાજા પર જ ઊભાં રહી ગયાં હતાં. દહિસરથી તેમની ટ્રેન જેવી બોરીવલી તરફ આવવા રવાના થઈ ત્યારે હંસરાજ તેમની ૮૦ વર્ષની માતા, દીકરી અને તેમના લગેજ સાથે દરવાજા તરફ આવ્યા હતા. એ વખતે દરવાજા પર ઊભેલા ઇમ્તિયાઝ, શબનમ અને ઝલક સાથે બોલાચાલી થતાં ત્રણેય જણે હંસરાજની મારઝૂડ કરી હતી.’

હંસરાજે આરપીએફને કહ્યું હતું કે ‘હું લગેજ લઈને ઊતરી નહોતો શકતો એટલે મેં તેમને વિનંતી કરી હતી, પરંતુ તેઓ મારી વાત સાંભળવાને બદલે મારી સાથે જ ઝઘડો કરવા લાગ્યાં હતાં. શારીરિક રીતે અક્ષમ લોકોના ડબ્બામાં તમારે પ્રવાસ ન કરવો જોઈએ એવું મેં તેમને કહ્યું ત્યારે ઉશ્કેરાઈ જઈને તેમણે મને માર માયોર્ હતો અને મને ચૂપ રહેવાની ધમકી આપી હતી.’

જોકે આ ડબ્બામાં પ્રવાસ કરતા એક પૅસેન્જરે અગાઉથી જ આરપીએફને આ ઘટનાની જાણ કરી દીધી હતી એટલે બોરીવલી સ્ટેશન આવ્યું એ વખતે આરપીએફના અધિકારીઓ એ ડબ્બા સુધી પહોંચી ગયા હતા અને આરોપીઓને ઝડપી લીધા હતા.