હીરા લઈને ટૉઇલેટમાંથી ભાગી ગયેલો ઠગ બે વર્ષ પછી પકડાયો

03 November, 2012 09:56 PM IST  | 

હીરા લઈને ટૉઇલેટમાંથી ભાગી ગયેલો ઠગ બે વર્ષ પછી પકડાયો

ડી. બી. માર્ગ પોલીસે જણાવ્યું હતું કે ‘સુરતનો અરવિંદ ડોલા બે વર્ષ પહેલાં ઑક્ટોબરમાં ઑપેરા હાઉસમાં બેસતા હીરાના વેપારી દિલીપ દોશીને તેની ઑફિસમાં મળ્યો હતો. પોતે હીરાની દલાલી કરતો હોવાનું અને તેની પાસે એક સારો ગ્રાહક હોવાનું કહીને તેણે ધીમે-ધીમે દિલીપ દોશીને વિશ્વાસમાં લીધો હતો. ત્યાર બાદ ૨૦૧૦ની ૨૩ ઑક્ટોબરે અરવિંદ ગ્રાહકને હીરા બતાવવા છે એમ કહીને દિલીપ દોશીની ઑફિસમાં ગયો હતો અને ત્યાં જઈને દિલીપના બે માણસની સાથે હીરા લઈને એક જણને મળ્યો હતો. જોકે આ સોદો થયો નહોતો. પાર્ટીને મળ્યાં બાદ અરવિંદે હીરા પોતાની પાસે જ રાખ્યા હતા અને ત્યાંથી તેઓ બીજો ગ્રાહક શોધવા નીકળી પડ્યા હતા. રસ્તામાં અરવિંદ બાથરૂમ જવું છે એમ કહીને હીરાની સાથે જ ટૉઇલેટમાં ઘૂસી ગયો હતો, જ્યારે દિલીપના બન્ને માણસો તેની રાહ જોતા બહાર ઊભા રહ્યા હતા. ઘણા સમય સુધી બહાર તેની રાહ જોયા પછી શંકા જવાથી બન્ને જણે ટૉઇલેટ ચેક કરતાં અરવિંદ ટૉઇલેટની બારીમાંથી હીરા લઈને ભાગી છૂટ્યો હોવાની જાણ થઈ હતી. અરવિંદને શોધવામાં નિષ્ફળ જતાં દિલીપ દોશીએ ગિરગામ ર્કોટમાં દાદ માગી હતી અને ર્કોટના આદેશ બાદ ડી. બી. માર્ગ પોલીસે કેસ રજિસ્ટર્ડ કર્યો હતો. તપાસ દરમ્યાન અરવિંદ સુરતનો રહેવાસી હોવાનું પોલીસે શોધી કાઢ્યું હતું. ડી. બી. માર્ગ પોલીસની એક ટીમે સુરત જઈને તેની ધરપકડ કરી હતી. જોકે પોલીસને તેની પાસેથી હીરા મળ્યાં નથી. દિલીપ દોશી સાથે ઠગાઈ કરીને મેળવેલા હીરા પોતે બીજા દલાલને આપી દીધા હોવાનું અરવિંદે પોલીસને તપાસ દરમ્યાન જણાવ્યું હતું. પોલીસ આ બીજા દલાલને શોધી રહી છે.

ડી. બી. = દાદાસાહેબ ભડકમકર