વિદુષી મર્ડર કેસમાં પોલીસને હજી શંકા છે તેના પતિ ઉપર

02 November, 2012 07:02 AM IST  | 

વિદુષી મર્ડર કેસમાં પોલીસને હજી શંકા છે તેના પતિ ઉપર



અંધેરી-વેસ્ટના મનીષ ગાર્ડન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં ભાડા પર રહેતી ભૂતપૂર્વ મિસ ચેન્નઈ અને સાઉથ ઇન્ડિયન ઍક્ટ્રેસ ૨૩ વર્ષની મૉડલ વિદુષી દાસ-બરડેને તેની બીમારી માટે પૈસાની અત્યંત જરૂર હતી અને તેણે મને પૈસા તેમ જ કામ માટે સંપર્ક પણ કર્યો હતો એવું તેના એક ડિરેક્ટર-મિત્રનું કહેવું છે. વિદુષી મર્ડરકેસમાં વિદુષીના પતિ કેદાર પર શંકા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ભૂતકાળમાં નૅશનલ ચૅનલ પર અમુક રિયલિટી શો કરેલા વિદુષીના ડિરેક્ટર-મિત્રના જણાવ્યા મુજબ વિદુષીએ તેને કહ્યું હતું કે ‘તે બીમાર રહેતી હોવાથી તેને દવાઓ માટે પૈસાની અત્યંત જરૂર છે તેમ જ જીવન ચલાવવા માટે કામ પણ જોઈએ છે. તેથી વિદુષીએ મને એસએમએસ પણ કર્યો હતો. વિદુષી પાસે કોઈ કામ ન હોવાથી તે આર્થિક રીતે મુશ્કેલી વેઠી રહી હતી. વિદુષી છ મહિના પહેલાં મને ઑડિશનમાં મળી હતી ત્યારે અમારો પરિચય થયો હતો. તેના ૧૫ દિવસ પછી મેં મારી ઓળખાણથી ભોજપુરી ફિલ્મમાં વિદુષીના રોલ માટે વાત કરી હતી, પરંતુ તેણે વિદુષી પાસેથી એક લાખ રૂપિયાની માગણી કરી હતી અને વિદુષીને આ રકમ વધુ લાગી હોવાથી તેણે વિદુષીને નકારી કાઢી હતી.’

ડિરેક્ટર-મિત્રે ઉમેર્યું હતું કે ‘થોડા દિવસ પછી વિદુષીએ મને તેને લાયક કોઈ કામ છે કે નહીં એ પૂછવા ફોન કર્યો હતો. વિદુષી હંમેશાં હતાશ રહેતી હતી. મેં તેને ક્યારેય ખુશ જોઈ નથી. તે દરરોજ ઇન્સ્યુલિનનાં ત્રણ ઇન્જેક્શન લેતી હતી. એક ઇન્જેક્શનની કિંમત ૧૧૦૦ રૂપિયા છે. છ દિવસ પહેલાં તેણે મને ફોન કર્યો હતો અને દવાઓ માટે પૈસાની જરૂર છે એમ કહ્યું હતું.’

વિદુષી સૌપ્રથમ શહેરમાં આવી ત્યારે પેઇંગ ગેસ્ટ તરીકે જાણીતી ટીવી-ઍક્ટ્રેસ સાથે રહેતી હતી. ત્યાર બાદ ૨૦૦૯માં તેનાં લગ્ન થયાં પછી તે તેના પતિ સાથે ડી. એન. નગરમાં ભાડાથી રહેતી હતી. વિદુષીને હિન્દી ફિલ્મોમાં કામ કરવું હતું તેથી તે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરવા ઇનકાર કરતી હતી અને તેને બૉલીવુડમાં કામ ન મળતાં તે હંમેશાં હતાશ રહેતી હતી. વિદુષીનો પતિ કેદાર મહિનાના ૬૦,૦૦૦ રૂપિયા કમાય છે અને તેણે વિદુષીને કહ્યું હતું કે આટલી ઓછી કમાણીમાં બન્નેનો ખર્ચ કાઢવો મુશ્કેલ છે.

ડી. એન. નગર પોલીસ-સ્ટેશનના અધિકારીઓ કેદાર મર્ડરના દિવસે સોમવારે ૨૨ ઑક્ટોબરે કેટલા વાગ્યે તેની નરીમાન પૉઇન્ટની ઑફિસ પહોંચ્યો એની તપાસ કરી રહ્યા છે, કારણ કે કેદારે તેના સ્ટેટમેન્ટમાં પોલીસને કહ્યું હતું કે તે સવારે જ ઘરેથી ઑફિસ જવા નીકળી ગયો હતો. તેથી પોલીસને કેદાર પર શંકા છે.

ડી. એન. નગર પોલીસે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘વિદુષીના મર્ડરકેસમાં કેદાર પર અમને વધુ શંકા છે. સવારે ૧૦ વાગ્યે કેદારે તેના પિતાને વિદુષી ફોન નથી ઉપાડતી એ જણાવવા ફોન કર્યો હતો અને સાંજે સાત વાગ્યે તેના સસરા શાંતાનુ દાસને અષ્ટમીની શુભેચ્છા આપવા અને વિદુષી ફોન નથી ઉપાડતી એ જણાવવા ફોન કર્યો હતો અને કહ્યું હતું કે એ હાલમાં આવી રહેલા ચિલ્ડ્રન્સ શોના ઑડિશનમાં ગઈ છે. વિદુષીના મેડિકલ પ્રૉબ્લેમને કારણે તેઓ ઘણી વાર એકબીજા સાથે લડતા પણ હતા.’

વિદુષીના પિતાએ પોલીસને કહ્યું હતું કે ‘છેલ્લાં ત્રણ વર્ષમાં કેદારે ક્યારે મને ફોન નથી કર્યો, પરંતુ જ્યારે હું વિદુષીને ફોન કરું ત્યારે ફક્ત થોડીક મિનિટ વાત કરી લેતો હતો.’

વેસ્ટ રીજનના ઍડિશનલ કમિશનર પોલીસ વિશ્વાસ નાંગરે પાટીલે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘વિદુષીએ નજીકની કેમિસ્ટ શૉપમાં સવારે સાડાઆઠ વાગ્યે દવા લેવા માટે ફોન કર્યો હતો અને એના અડધો કલાક પછી કેદાર ઘરેથી ગયો હતો. તેથી હવે અમે કેદારને શંકાસ્પદ ગણીને તેના વિશે વધુ તપાસ હાથ ધરી છે.’

ડી. એન. = દાદાભાઈ નવરોજી