ફ્લોરા ફાઉન્ટનને પાછાં મળશે અસલ રોનક અને વૈભવ

01 November, 2012 07:00 AM IST  | 

ફ્લોરા ફાઉન્ટનને પાછાં મળશે અસલ રોનક અને વૈભવ



સપના દેસાઈ

દક્ષિણ મુંબઈ જ નહીં; પણ પૂરા મુંબઈની શાન ગણાતા, સ્થાપત્ય અને શિલ્પની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ ગણાતા ‘ફલોરા ફાઉન્ટન’નું બ્યુટિફિકેશન કરવાનો મહત્વનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાએ લીધો છે.

દક્ષિણ મુંબઈના હાર્દસમાન ગણાતું ફલોરા ફાઉન્ટન અંગ્રેજોના જમાનાનું ઉત્કૃષ્ટ બાંધકામ છે. લગભગ ૧૮૬૪ની આસપાસ બ્રિટનની ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એનું બાંધકામ કર્યું હતું. એ જમાનામાં નવ હજાર પાઉન્ડ એટલે કે ૪૭ હજાર રૂપિયામાં એનું બાંધકામ થયું હતું. સમય જતાં એની ઓરિજિનલ રોનક થોડી ઝાંખી થઈ હોવા છતાં એણે મુંબઈગરાના મનમાં પોતાનું મહત્વ જાળવી રાખ્યું છે અને હવે મુંબઈ મહાનગરપાલિકાએ ફલોરા ફાઉન્ટનની એની એ જ ઓરિજિનલ રોનક પાછી લાવવા માટે કમર કસી છે. સુધરાઈએ ફલોરા ફાઉન્ટનની સાયન્ટિફિકલી મેથડથી જાળવણી કરવાનો અને એનું સૌંદર્યીકરણ કરવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં, પણ ફલોરા ફાઉન્ટનની સાથે એની આજુબાજુના વિસ્તારોનું પણ સૌંદર્યીકરણ કરવાનું સુધરાઈએ નક્કી કર્યું છે.

ફલોરા ફાઉન્ટનની જાળવણી અને સૌંદર્યીકરણ બાબતે સુધરાઈના હેરિટેજ કન્ઝર્વેશન કન્સલ્ટન્ટ વિકાસ દિલાવરીએ જણાવ્યું હતું કે ‘ફલોરા ફાઉન્ટન જે પાષાણમાં બન્યું છે એની સાથે જ ફુવારાનું પણ સાયન્ટિફિકલી જતન કરવામાં આવશે તેમ જ ફુવારામાંથી પહેલાં જે મુજબ પાણી વહેતું હતું એ મુજબ વહે એ માટે સુધરાઈના વૉટર ડિપાર્ટમેન્ટની મદદ લેવાશે. ફુવારાનો અત્યારે જે રંગ છે એ જ રંગ સાયન્ટિફિકલી ફરી રંગવામાં આવશે. એ સિવાય ફલોરા ફાઉન્ટનની આજુબાજુ ફરવા આવતા લોકોને બેસવા માટે આકર્ષક બાંકડા બેસાડવામાં આવશે, આજુબાજુમાં લીલું ઘાસ ઉગાડવામાં આવશે, જેથી ફલોરા ફાઉન્ટનના સૌંદર્યમાં હજી વધારો થશે.

મુંબઈમાંથી જ નહીં, પણ અનેક ઠેકાણેથી ફ્લોરા ફાઉન્ટન જોવા પ્રવાસીઓ આવે છે. વિદેશી પ્રવાસીઓનાં પણ ધાડાં અહીં ઊતરી આવે છે. અલગ મહારાષ્ટ્ર રાજ્યની ચળવળમાં શહીદ થનારાઓના સન્માનમાં ફલોરા ફાઉન્ટન પર હુતાત્માનું સ્મારક બનાવવામાં આવ્યું છે. અનેક મુલાકાતીઓ અહીં આવે છે એટલે એની જાળવણી અને સૌંદર્યીકરણ પણ આવશ્યક હોવાનું ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર અસીમ ગુપ્તાએ કહ્યું હતું. એટલે જ બજેટમાં અમુક રકમની ફાળવણી કરવામાં આવી છે. એ ઉપરાંત આ સ્થળની નિત્ય સાફસફાઈ કરાશે.