વસઈ સ્ટેશને કેમ પહોંચવું?

01 November, 2012 06:55 AM IST  | 

વસઈ સ્ટેશને કેમ પહોંચવું?



વસઈ-વેસ્ટની બાજુએથી વસઈ રેલવે-સ્ટેશન જવા માટેના ખૂબ જ મહત્વના રોડની હાલત ખૂબ જ ખરાબ છે. તેથી આ રસ્તાને જોઈને થાય કે વસઈ સ્ટેશને પહોંચવું કેવી રીતે?

વસઈ-વેસ્ટની ચર્ચગેટ સાઇડની બાજુએ એકમાત્ર રેલવે બ્રિજ છે. આ બ્રિજ દ્વારા વસઈ સ્ટેશનના પ્લૅટફૉર્મ પર જઈ શકાય છે. આ બાજુએથી બ્રિજ દ્વારા જવા માટે આ એકમાત્ર રસ્તો છે. રેલવે બ્રિજની આગળ આવેલા આ રસ્તા પરના પેવર બ્લૉક ઊખડી ગયા છે. ગટરોનાં ઢાંકણાં અંદર ઘૂસી ગયાં છે. આ ગટરમાંથી નીકળતું ગંદું પાણી કેટલીયે વાર રસ્તા પર પણ આવે છે. તેમ જ રસ્તા પર ગંદકી પડી રહેતી હોય છે જેની હાલાકીનો સામનો લોકોએ કરવો પડે છે, પણ પ્રશાસનનું ક્યારેય આના પર ધ્યાન જતું નથી. 

આ સમસ્યા વિશે જણાવતાં અને રોજ આ રસ્તાનો ઉપયોગ કરતા રાકેશ શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘દરરોજ હજારો લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે અને રોજ કોઈ ને કોઈ આ રસ્તા પર ઊખડી પડેલા પેવર બ્લૉકના કારણે પડતું જ હોય છે. વૃદ્ધ લોકો તો અહીંથી પીક-અવર્સમાં ચાલી જ શકતા નથી. ગટરોનાં ઢાંકણાં પણ અંદર ચાલ્યાં ગયાં હોવાથી પીક-અવર્સમાં જ્યારે ટ્રેનના પ્રવાસીઓ અહીંથી ચાલે ત્યારે કોઈ ને કોઈને તો  વાગતું જ હોય છે. હું તો દરરોજ અહીંથી ચાલું છું એમ છતાંય એક-બે વાર મને પગમાં માર વાગ્યો છે તો નવા કોઈ પ્રવાસીઓને અહીંથી ચાલતાં તેમનું ધ્યાન ન રહે તો પગમાં વાગવાનું જ છે. આ રસ્તો રેલવે બ્રિજ અને સ્ટેશનની બાજુમાં જ હોવાથી એનું મહત્વ તો સમજાય એમ જ છે. તેમ છતાંય પ્રશાસન એના પર ક્યારેય ધ્યાન આપતું નથી.’