કાંદિવલીમાં બે કલાકમાં સાત કારના કાચ કાપી એમાંની વસ્તુઓની ચોરી

28 October, 2012 04:40 AM IST  | 

કાંદિવલીમાં બે કલાકમાં સાત કારના કાચ કાપી એમાંની વસ્તુઓની ચોરી



કાંદિવલી (વેસ્ટ)માં આવેલી વોરા કૉલોની પાસે રાતે બે કલાકમાં જ પાર્ક થયેલી સાત-સાત મોંઘી કારના કાચ કાપીને ઇક્વિપમેન્ટ્સ ચોરાયાં હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. એને પગલે આ વિસ્તારની વિવિધ સોસાયટીમાં રહેતા કારમાલિકો ટેન્શનમાં આવી ગયા છે.

સાત કારના કાચ કપાયા

કાંદિવલીના એમ. જી. ક્રૉસ રોડ પાસે આવેલી વોરા કૉલોની સામેના માનસરોવર બિલ્ડિંગમાં રહેતા બિઝનેસમૅન નર્મિલ સોલંકીની કારમાંથી ગુરુવારે રાતે ઇક્વિપમેન્ટ્સ ચોરાઈ ગયાં હતાં, જેની ફરિયાદ તેમણે કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં નોંધાવી છે. એ બાબતે નર્મિલ સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે રાતે ત્રણથી પાંચ વાગ્યાની અંદર જ ચોરોએ મારી ટૉયોટા ઇનોવા ગાડીના ફ્રન્ટ ડોરનો લેફ્ટ સાઇડનો કાચ સિફતથી કાપીને એમાં રહેલો મોંઘો સ્ટિરિયો ચોરી લીધો હતો, જ્યારે મારી બાજુના બિલ્ડિંગમાં રહેતા મારા ઓળખીતાની બે ગાડીઓ બિલ્ડિંગની બહાર પાર્ક થઈ હતી એના પણ કાચ કાપીને એમાંથી ઇક્વિપમેન્ટ્સ ચોરી લેવામાં આવ્યાં હતાં. એ સિવાય મારા જ એરિયામાં રહેલી બીજી ચાર ગાડીઓમાંથી પણ કાચ કાપીને વસ્તુઓની ચોરી થઈ હોવાની અમને સવારે જાણ થઈ હતી.’

વૉચમૅન હોવા છતાં ચોરી

બે કલાકની અંદર સાત કાચ તૂટ્યાં તો પણ કોઈને ખબર ન પડી એવું જણાવીને નર્મિલ સોલંકીએ કહ્યું હતું કે ‘ગાડીમાં ચોરી થઈ ત્યારે અમારા બિલ્ડિંગનો વૉચમૅન ડ્યુટી પર હતો એટલું જ નહીં, મારા બિલ્ડિંગની સામે જ યુનિયન બૅન્ક છે એના એટીએમ સેન્ટરની બહાર પણ વૉચમૅન ડ્યુટી કરી રહ્યો હતો. એમ છતાં તેને પણ ચોર આવીને ગાડીનો કાચ કાપીને એમાંથી વસ્તુઓ ચોરી ગયા એની ખબર ન પડી. કારમાં રહેલી વસ્તુઓનું તો ઇન્શ્યૉરન્સ પણ હોતું નથી એટલે ચોરાયેલો માલ હવે ભૂલી જ જવાનો. પોલીસ તો જ્યારે તપાસ કરશે અને પકડશે ત્યારે જ ખરું.’

આ રીતે કાર પણ ચોરાઈ શકે

માનસરોવર બિલ્ડિંગની પાસે જ આવેલા કમલાકર બિલ્ડિંગમાં રહેતા એક બિઝનેસમૅને કહ્યું હતું કે ‘બિલ્ડિંગમાં જ રહેતા મારા એક મિત્રની ગાડીમાંથી મ્યુઝિક-સિસ્ટમ ચોરાઈ છે. બિલ્ડિંગનું પાર્કિંગ વેચાઈ જતાં ગાડીઓ બહાર પાર્ક કરવી પડે છે અને એને પગલે ચોરોને મોકળું મેદાન મળી ગયું છે. આ લોકો બિલ્ડિંગની બહાર વૉચમૅન હોવા છતાં બિનધાસ્ત કાચ તોડીને એમાંથી વસ્તુઓ ચોરી જતા હોય તો કાલે ઊઠીને તો તેઓ અમારી આખેઆખી ગાડીઓ પણ ઉઠાવી જશે અને કોઈ ખોટા કામ માટે એનો ઉપયોગ થઈ શકે. પોલીસનું પૅટ્રોલિંગ કેવું છે એ જ અમને નથી સમજાતું. રાતે બે કલાકમાં સાત કારના કાચ કપાઈ જાય તો પણ પોલીસને ખબર ન પડી એ પણ કમાલ કહેવાય.’

ચોરોની નવી કાર્યપદ્ધતિ


આ કેસની તપાસ કરી રહેલા કાંદિવલી પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર મહેશ નિવસકરે ચોરોની કાર્યપદ્ધતિ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બેથી ત્રણ લોકોની  ટોળકી રાતના સમયે કાચ કાપીને ચોરી કરે છે અને કોઈને ખબર પણ પડતી નથી. આ ટોળકી મધરાત પછી બેથી પાંચ વાગ્યાની આસપાસ સોસાયટીના બિલ્ડિંગની બહાર રસ્તા પર પાર્ક થયેલી ગાડીઓની સમાંતર પોતાની ગાડીઓ લાવીને ઊભી રાખે છે જેથી જોનારાઓને તો એમ જ લાગે કે ગાડી પાર્ક કરેલી છે. પાર્ક થયેલી ગાડીની બાજુમાં પોતાની ગાડી ઊભી રાખીને તેઓ સિફતપૂર્વક ડાયમન્ડ-કટરથી ગાડીના કાચ કાપી નાખે છે અને એનો અવાજ પણ નથી આવતો. કાચ કાપીને તેઓ ગાડીમાં રહેલી મ્યુઝિક-સિસ્ટમ અને સ્ટિરિયો વગેરે ચોરીને ભાગી જાય છે. અમે આ ટોળકીને ઝબ્બે કરવાની કોશિશ કરી રહ્યા છીએ અને આ વિસ્તારમાં પૅટ્રોલિંગ વધુ સઘન બનાવી દીધું છે.’