નાલાસોપારામાં બિલ્ડર પર ફાયરિંગ કરનારો એક આરોપી પકડાઈ ગયો

25 October, 2012 07:56 AM IST  | 

નાલાસોપારામાં બિલ્ડર પર ફાયરિંગ કરનારો એક આરોપી પકડાઈ ગયો



નાલાસોપારામાં એક બિલ્ડર પર બાઇક પર આવેલા બે યુવકોએ ફાયરિંગ કર્યું હતું. પોલીસે હુમલાખોરમાંથી એકની ધરપકડ કરી છે, જ્યારે બીજાની તપાસ ચાલી રહી છે. અત્યાર સુધી ફાયરિંગ કરવા પાછળનું કારણ પોલીસ જાણી શકી નથી. બિલ્ડર પર થયેલા ફાયરિંગને કારણે બિલ્ડર લૉબીમાં ચિંતાનું વાતાવરણ ફેલાઈ ગયું છે.

નાલોસાપારા-ઈસ્ટના ડોંગરપાડા વિસ્તારમાં રહેતો ૩૨ વર્ષનો પાવન બિડલન નામનો બિલ્ડર મંગળવારે મોડી રાતે શાલીભદ્ર અપાર્ટમેન્ટમાં રહેલા એક સ્ટૉલ પર ચા પી રહ્યો હતો ત્યારે બે જણ બાઇક પર આવી તેના પેટમાં ગોળી મારીને નાસી ગયા હતા. નાલાસોપારા પોલીસે ઘટના બાદ તપાસ શરૂ કરતાં ૩૨ વર્ષના જાવેદ રફીક નામના યુવકની ધરપકડ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે એક હુમલાખોરને પકડી પાડવામાં આવ્યો છે અને બીજા હુમલાખોરની તપાસ ચાલુ છે, પણ અત્યારે સુધી બિલ્ડર પર ફાયરિંગ કરવાનું કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસતપાસ દરમ્યાન હુમલાખોરે કોની બાઇકનો ઉપયોગ કરેલો એ વિશે જાણ થઈ છે. એ વિશે અને બીજા આરોપીની પણ તપાસ ચાલી રહી છે. બિલ્ડરની હાલત ગંભીર હોવાથી તેને મીરા રોડની ઉમરાવ હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. પાવનના પેટમાંથી ગોળી કાઢવામાં આવી છે. એમ છતાં તેની હાલત ગંભીર છે.

પાવન પર પણ નાલાસોપારા પોલીસ-સ્ટેશનમાં કેટલાય ક્રિમિનલ કેસ રજિસ્ટર છે. આ હુમલો પ્રૉપર્ટીના ડિસ્પ્યુટને કારણે થયો હોઈ શકે છે. હુમલાખોરની ધરપકડ કરવામાં છે.

કેમ ગભરાયા બિલ્ડરો?

નાલાસોપારાના એક બિલ્ડરે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘ખુલ્લેઆમ બિલ્ડર પર આવી રીતે ફાયરિંગ થાય એ ખૂબ આશ્ચર્યજનક ઘટના છે. પોલીસની સુરક્ષા-વ્યવસ્થા સામે પણ મોટો સવાલ ઊભો થાય છે. અમારી બિલ્ડરલૉબીમાં પણ આ ઘટના બાદ ચિંતાનું વાતાવરણ ફેલાઈ ગયું છે. એવું લાગે છે કે અમારે અમારી સુરક્ષા જાતે જ કરવી પડશે.’