૮ મહિને થયો થાણેના રાજકીય નાટકનો અંત

24 October, 2012 07:59 AM IST  | 

૮ મહિને થયો થાણેના રાજકીય નાટકનો અંત



થાણે મહાનગરપાલિકાની ચૂંટણી થયાના આઠ મહિના બાદ થાણેને સ્થાયી સમિતિનો અધ્યક્ષ મળ્યો હતો. કૉન્ગ્રેસના વૉર્ડ-નંબર ૩૧ (કિસનનગર)ના નગરસેવક રવીન્દ્ર ફાટકે લૉટરી દ્વારા કાઢવામાં આવેલા ડ્રૉમાં શિવસેના દ્વારા સમર્થિત બહુજન સમાજ પાર્ટીના વિલાસ કાંબલેને હરાવીને સ્થાયી સમિતિનું અધ્યક્ષપદ મેળવ્યું હતું. થાણેમાં સત્તાધારી શિવસેના-બીજેપી ગઠબંધન માટે આ એક મોટો ફટકો હતો. કૉન્ગ્રેસને સ્થાયી સમિતિનું અધ્યક્ષપદ પૂરાં ૨૦ વર્ષે‍ મળ્યું હતું.

ફેબ્રુઆરી મહિનામાં થાણે મહાનગરપાલિકાની ચૂંટણી થઈ હોવા છતાં રાજકીય ઘમસાણને કારણે અત્યાર સુધી સ્થાયી સમિતિના અધ્યક્ષની ચૂંટણી થઈ શકી નહોતી. આ રાજકીય લડાઈમાં મેયરની ચૂંટણીને મુદ્દે હાઈ ર્કોટમાં કરવામાં આવેલી પિટિશનનો પણ સમાવેશ થાય છે.

થાણે સુધરાઈની સ્થાયી સમિતિમાં એક જૂથ કૉન્ગ્રેસ-એનસીપીનું છે અને બીજું જૂથ શિવસેના-બીજેપી-બીએસપી-આરપીઆઇ ગઠબંધનનું છે. એમએનએસ કોઈ પણ જૂથમાં નથી. મેયરની ચૂંટણીમાં એમએનએસે શિવસેનાને ટેકો આપ્યો હોવાથી શિવસેનાનો મેયર બન્યો હતો, પરંતુ સ્થાયી સમિતિની ચૂંટણીમાં એમએનએસે કૉન્ગ્રેસ-એનસીપીને સમર્થન આપતાં બન્ને ઉમેદવારોને આઠ-આઠ મત મળ્યાં હતા. રિટર્નિંગ ઑફિસર એ. દેશમુખે મડાગાંઠને ઉકેલવા માટે લૉટરીના ડ્રૉ નાખવાનો વિકલ્પ અપનાવ્યો હતો અને તેમાં કૉન્ગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો.

શિવસેના-બીજેપીના ગઠબંધન માટે આ ચૂંટણીનું પરિણામ એક મોટા ફટકા સમાન હતું, કેમ કે છેલ્લા આઠ મહિનાથી સત્તામાં હોવા છતાં સ્થાયી સમિતિના અધ્યક્ષપદે વિરોધી પક્ષ કૉન્ગ્રેસનો નેતા બેઠો છે.