કામા લેનની રાજુભાઈ ચાલ પાસેની ગટર બાળકો અને રાહદારીઓ માટે જોખમી

24 October, 2012 07:56 AM IST  | 

કામા લેનની રાજુભાઈ ચાલ પાસેની ગટર બાળકો અને રાહદારીઓ માટે જોખમી



ઘાટકોપર-વેસ્ટની કામા લેનના શ્રીજી ભુવન પાસે આવેલી રાજુભાઈ ચાલની બંધ ગટરને સુધરાઈએ વરસાદના સમયે એક વર્ષથી ખુલ્લી કરી નાખી છે જેને લીધે અહીંથી પસાર થતાં સ્કૂલનાં બાળકો સહિતના રાહદારીઓ માટે એ જોખમી બની ગઈ છે તેમ જ ખુલ્લી ગટરને લીધે રોગચાળો ફેલાવાનો ભય હોવા છતાં સુધરાઈના અધિકારીઓ સ્થાનિક રહેવાસીઓની ફરિયાદ સામે આંખ આડા કાન કરી રહ્યા હોવાથી રહેવાસીઓમાં નારાજગીની લાગણી ફેલાઈ છે.

શ્રીજી ભુવન પાસેથી પસાર થતી ગટરનો અમુક ભાગ ૨૦૧૧ની સાલમાં વરસાદ ધસી પડ્યો હતો અને એના પરનું પ્લાસ્ટર તૂટી જતાં બંધ ગટર ખુલ્લી થઈ ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓની અનેક ફરિયાદ પછી સુધરાઈએ ગટરના તૂટી ગયેલા ભાગને રિપેર કયોર્, પરંતુ એ ગટરને ઢાંકવામાં એ નિષ્ફળ ગઈ હતી. આ બાબતની સુધરાઈના સંબંધિત વિભાગમાં અનેક વાર ફરિયાદ કરવા છતાં સુધરાઈએ હજી સુધી આ બાબતમાં કોઈ જ પગલાં લીધાં નથી.

આ માહિતી આપતાં સ્થાનિક રહેવાસી ગૌરવ પટેલે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ ગટરની બાજુમાંથી રોજ સ્કૂલનાં સેંકડો બાળકો અને રાહદારીઓ પસાર થાય છે. એક વર્ષમાં આ ગટરમાં બાળકો અને રાહદારીઓ પડી જઈને માર લાગવાના બનાવો પણ બન્યા છે. એની જાણ કરી સુધરાઈમાં ફરિયાદ કરવા છતાં આ ગટરને ઢાંકવાની સુધરાઈ તસ્દી લેતી નથી. ખુલ્લી ગટર પાસેથી ચાલવાનું તો જોખમ છે જ, પણ એને લીધે થતા મચ્છરના ઉપદ્રવને કારણે અહીંથી પસાર થતાં બાળકો અને સ્થાનિક રહેવાસીઓમાં રોગચાળો ફેલાવાનો પણ ભય છે.’