બાઇકરેસિંગના શોખે લીધો આઠ મહિનાની ગર્ભવતી મહિલાનો જીવ

23 October, 2012 05:16 AM IST  | 

બાઇકરેસિંગના શોખે લીધો આઠ મહિનાની ગર્ભવતી મહિલાનો જીવ



વિલે પાર્લે (ઈસ્ટ)ના અંધેરી સહાર રોડ પર રવિવારે સાંજે ૩૨ વર્ષની આઠ મહિનાની ગર્ભવતી સબીરા ખાનને મોટરસાઇકલની રેસિંગ રમતા ત્રણ યુવકોએ અડફેટે લેતાં ઘટનાસ્થળે જ સબીરાનું મૃત્યુ થયું હતું. આ સંદર્ભે વિલે પાર્લે પોલીસે ૧૯ વર્ષના કુંજન ઘોરપડે, ૧૯ વર્ષના સેવિયો ફર્ટાડો અને ૧૭ વર્ષના એક ટીનેજરની ધરપકડ કરી હતી. ગઈ કાલે આરોપીઓને અંધેરી કોર્ટમાં રજૂ કરીને પોલીસ-કસ્ટડી આપવામાં આવી હતી.

વિલે પાર્લે (ઈસ્ટ)ના અંધેરી-સહાર રોડના કબીરનગરમાં રહેતી સબીરા રવિવારે સાંજે સાત વાગ્યે ઘઉંનો લોટ લેવા ગઈ હતી. એ વખતે મોટરસાઇકલની રેસ રમતા કુંજન, સેવિયો અને એક ટીનેજર પૂરપાટ સ્પીડે અલગ-અલગ બાઇક પર જઈ રહ્યા હતા. રસ્તો ક્રૉસ કરવા માટે સબીરા ડિવાઇડર પર ઊભી હતી એ વખતે કુંજનની બાઇકની અડફેટે આવતાં સબીરા તેના બાઇકની ટાંકી પર અટકી ગઈ હતી અને દસ ફૂટ સુધી ઘસડાઈને ત્યાર બાદ રસ્તા પર પડી ગઈ હતી. રિક્ષામાં સબીરાને તાત્કાલિક કૂપર હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ મૃત ઘોષિત કરી હતી. હૉસ્પિટલે પોલીસને આપેલી રિપોર્ટ મુજબ સબીરાના ગર્ભના બાળકનું પણ મૃત્યુ થયું હતું.

સબીરાના ભાઈ ઇમરાન ખાને કહ્યું હતું કે ‘અમારો આખા પરિવારને આ ઘટનાથી આઘાત લાગ્યો છે. આ મર્ડર નથી, ડબલ મર્ડર છે. મોટરસાઇકલની રેસિંગ કરતા એ યુવકોને સખત સજા મળવી જોઈએ. અમે અગાઉ પણ તેમને બાઇકરેસિંગ ન કરવા કહ્યું હતું, પરંતુ તેમણે અમારી વાત સાંભળી નહોતી.’