અરુણ પુરીનો બચાવ થઈ શકે એમ છે

19 October, 2012 05:07 AM IST  | 

અરુણ પુરીનો બચાવ થઈ શકે એમ છે



અરિંદમ ચૌધરી

એ વાત હું સુપેરે જાણું છું કે સલમાન ખુરશીદ અને તેમના ઝાકિર હુસેન ટ્રસ્ટ સામે ઉત્તર પ્રદેશ સરકારના ઉચ્ચ અધિકારીઓની ખોટી સહી કરવાના આક્ષેપો છે, પણ હું કહી દઉં કે આ તો માત્ર રાજકારણ છે. આ બધું ચાલતું હતું ત્યારે મારા એક સાથીદારે મને એક ક્લિપ મોકલી હતી જેમાં કાયદાપ્રધાને એક પત્રકારને ચેતવણી આપીને તેને કોર્ટમાં ઢસડી જવાનું કહ્યું હતું. એને કારણે મને આ ઇશ્યુમાં ઊંડે જવાની ઇચ્છા થઈ આવી. મને આ બધું ખતરનાક લાગ્યું. લુઇસ ફર્નાન્ડિસ ખુરશીદ જેઓ કેન્દ્રીય કાયદાપ્રધાનનાં પત્ની છે તેમણે અને ઝાકિર હુસેન ટ્રસ્ટે બે ટીવી-ચૅનલો આજતક અને હેડલાઇન્સ ટુડે સામે ૧૦૦ કરોડ રૂપિયાનો દીવાની દાવો ઠોકી દીધો છે.

એમાં આર્ય પામવા જેવું કશું નથી. કોઈ પણ ભારતીયને એમ લાગે કે તેની બદનક્ષી થઈ છે તો તે કોર્ટમાં બદનક્ષીનો દાવો કરી શકવા માટે સ્વતંત્ર હોય છે. જોકે મારા માટે ખેદજનક બાબત એ છે કે ‘ઇન્ડિયા ટુડે’ના પ્રકાશક અરુણ પુરીને આ કેસમાં અંગત રીતે નિશાન બનાવવામાં આવ્યા છે. બહુ ગંભીર કહી શકાય એવી આ ઘટના છે. એવા પણ પત્રકારો છે જેમણે સલમાન ખુરશીદને એવો સવાલ કર્યો છે કે જ્યાં સુધી તેમની સામેની તપાસ તેમને નિર્દોષ ન ઠરાવે ત્યાં સુધી તેઓ રાજીનામું આપશે ખરા? તેમણે આ સવાલના ઉત્તરમાં કહ્યું હતું કે હું ત્યારે રાજીનામું આપીશ જ્યારે ‘ઇન્ડિયા ટુડે’ ગ્રુપના પ્રમોટર અરુણ પુરીની સામે અને તેમની કંપની સામે તપાસ કરવામાં આવશે. આ તો વળી વધુ ખતરનાક ગણી શકાય. તમે વિચારો કે અહીંથી કેટલી ખરાબ પ્રથાની શરૂઆત થાય છે. એક મિડિયા હાઉસ કોઈ પ્રધાન સામે કૌભાંડનો આક્ષેપ કરે છે અને એનાથી છંછેડાઈને તે પ્રધાન મિડિયા હાઉસના પ્રકાશક અને તેના સમગ્ર પરિવાર સામે તપાસની માગણી કરે છે.

જોકે મારી ચિંતાનો વિષય અરુણ પુરી કે દેશનું બીજું કોઈ મિડિયા હાઉસ છે જ નહીં. મને સંપૂર્ણ ખાતરી છે કે તેમની પાસે તેઓ ઇચ્છે ત્યાં સુધી તેમની દરકાર કરવા માટેનાં સંસાધનો અને માણસોની તાકાત છે. મારી ચિંતા એ છે કે જો આપણી લોકશાહી આ કક્ષા સુધી નીચે ઊતરી ગઈ હોય તો જે લોકો સત્તામાં છે તેઓ ગમે ત્યારે અને ફાવે એમ મિડિયા જૂથોને ધમકી આપતા ફરશે. તો પછી પત્રકારોનું શું થશે? પત્રકારત્વની હાલત કેવી થશે? રાજકારણીઓ કોઈ પણ એક મિડિયા હાઉસ પાછળ પડી જાય છે અને મારું મિડિયા હાઉસ પણ તેમની કિન્નાખોરીનો ભોગ બનેલું છે. જોકે એ આટલું ખુલ્લું અને ઘાતક નહોતું. આમ પણ ભારતમાં પત્રકારત્વની હાલત રૂંધાઈ ગયેલા શ્વાસ જેવી છે અને ઉપર આલેખી છે એ ઘટના ભારતમાં પત્રકારત્વની આઝાદીને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી નાખશે એ નક્કી છે. મારે સલમાન ખુરશીદ સામે કોઈ અંગત વાંધો નથી (હું જ્યારે આ લખી રહ્યો છું ત્યારે એ સાંભળીને મને આઘાત લાગ્યો છે કે તેમણે અરવિંદ કેજરીવાલને તેમના મતવિસ્તારમાં આવે તો જોઈ લેવાની ધમકી આપી છે), પણ મને ખાતરી છે અને મારો આત્મા કહે છે કે તેઓ આ રીતે મિડિયાને ધમકી આપનારા કેન્દ્રીય કાયદાપ્રધાન ક્યારેય નહીં બની શકે.

અને આ ખરેખર વિચિત્ર બાબત છે કે શા માટે પત્રકારો અને મિડિયા મૅનેજમેન્ટ જૂથો અરુણ પુરીના સમર્થનમાં ખૂલીને બહાર નથી આવતાં? હું તેમને અરુણ પુરી અને તેમના જૂથ વતી કાયદાકીય કેસ લડવા નથી કહેતો, પરંતુ તેમના પક્ષે મિડિયા ઊભું છે એ દર્શાવવાની તાતી જરૂર છે. કોઈ પણ પત્રકાર અથવા તો મિડિયા હાઉસ મારા આ નિવેદન સાથે ભાગ્યે જ અસંમત થશે કે કોઈ પણ કારણ હોય, પરંતુ ભારતમાં રચાયેલી સૌથી ભ્રષ્ટ સરકારો પૈકીની આ એક સરકાર છે. તમામ પત્રકારો અને મિડિયા જૂથો એ વાતે પણ સંમત થશે કે જ્યારે પણ કોઈ નવા કૌભાંડનો પર્દાફાશ થાય છે ત્યારે આ સરકાર મિડિયાને ગેરમાર્ગે દોરવા માટે ઘણા ધમપછાડા કરે છે. આજે દેશના મિડિયાના સૌથી શ્રેષ્ઠ પ્રતિનિધિઓ પૈકીના એક એવા પુરી જેવી વ્યક્તિઓના સમર્થનમાં શા માટે આગળ આવવું ન જોઈએ? આ એ જ માણસ છે જેમણે ‘ઇન્ડિયા ટુડે’ નામના એક મૅગેઝિનથી શરૂઆત કરી હતી અને આજે તેમણે દેશના સૌથી સફળ મિડિયા હાઉસ પૈકીના એકનું નિર્માણ કર્યું છે. આજે તેમના ગ્રુપ દ્વારા સફળતાપૂર્વક મૅગેઝિનો, અખબારો, ટેલિવિઝન ચૅનલો, રેડિયો-સ્ટેશનો અને ઇન્ટરનેટ-પ્લૅટફૉર્મનું સંચાલન થઈ રહ્યું છે. સફળતાની કેડી પર તેમના ગ્રુપનો રેકૉર્ડ ઘણો સારો રહ્યો છે. જો સાથીપત્રકારો આ પ્રકારના ટ્રૅક-રેકૉર્ડને સમર્થન આપી શકતા ન હોય તો પત્રકારત્વમાં કશુંક સડેલું છે એમ ચોક્કસપણે કહી શકાય. આપણે જે સમયગાળામાં જીવીએ છીએ એ ખરેખર અદ્ભુત છે અને આજની પરિસ્થિતિ ખરેખર દુખદ છે. મને હંમેશાં અરુણ પુરીનું પત્રકારત્વ અને ઉદ્યોગ-સાહસિકતા ગમતાં આવ્યાં છે અને હું તેમનો પ્રશંસક રહ્યો છું. તેમના જૂથને બૉલીવુડની અભિનેત્રીઓ અથવા રાજકારણીઓના અંગત જીવન અથવા તો કોમી તનાવ સર્જતી કોઈ સ્ટોરી અથવા તો કોઈ પણ દેશદ્રોહની સ્ટોરી માટે લક્ષ્યાંક બનાવવામાં નથી આવી રહ્યું. અરુણ પુરીને સત્યના પડખે રહેવા માટે લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યા છે એટલે જ્યાં પ્રતિષ્ઠા કરતાં સત્ય મહત્વનું છે, જ્યાં સત્તાના ભય કરતાં ગંભીરતા મહત્વની છે એ પ્રકારના પત્રકારત્વની જરૂર છે અને શક્તિશાળી હોદ્દાઓ પર બેઠેલા લોકોએ સ્વીકારવું જ રહ્યું કે પત્રકારો અને મિડિયા હાઉસો તેમના સહયોગીઓ નહીં પરંતુ તેમના સંભવિત વિરોધીઓ છે. આ બધી બાબતો માટે હું ખુલ્લેઆમ અરુણ પુરીના પડખે છું અને તેમને સમર્થન આપી રહ્યો છું. મને આશા છે અને હું અન્યોને આમ કરવાની વિનંતી કરું છું.