પહેલાં મેડિકલ બિલ ભરો, પછી જ મળશે ડિસ્ચાર્જ

14 October, 2012 03:04 AM IST  | 

પહેલાં મેડિકલ બિલ ભરો, પછી જ મળશે ડિસ્ચાર્જ



નવીન નાયર

મુંબઈ, તા. ૧૪

બૉમ્બે હૉસ્પિટલમાં બનેલી એક શૉકિંગ ઘટનામાં ત્યાં સારવાર લઈ રહેલા અને બિલ ભરી ન શકનારા ખેડૂતને ડિસ્ચાર્જ જોઈતો હોય તો પહેલાં બિલ ભરવાની તાકીદ કરવામાં આવી છે અને જો બિલ નહીં ભરે તો ડિસ્ર્ચાજ નહીં મળે એવી સૂચના આપી છે. રાજ્યના વાશિમ જિલ્લાના આર્થિક રીતે ગરીબ વર્ગના ખેડૂતના પિતાને બ્રેઇન-ટ્યુમર થઈ હોવાની જાણ થતાં તેમને સારવાર માટે બૉમ્બે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સફળ સર્જરી પછી હવે આ ગરીબ પરિવાર આખું બિલ ભરવા સક્ષમ ન હોવાથી ખેડૂતના પિતા ઘરે જવા માટે સક્ષમ હોવા છતાં તેમને હૉસ્પિટલના જનરલ વૉર્ડમાં રાખવામાં આવ્યા છે, કારણ કે હૉસ્પિટલના નિયમ મુજબ બિલ ચૂકવ્યા વગર કોઈને ડિસ્ચાર્જ ન મળી શકે.

૭૨ વર્ષના ખેડૂત દુર્ગાદાસ રાઠોડ તેમના પરિવાર સાથે વિદર્ભના વાશિમ જિલ્લાના મનોરા તાલુકામાં રહે છે. તેમને બ્રેઇન-ટ્યુમર થતાં આ વર્ષની શરૂઆતમાં સારવાર માટે બૉમ્બે હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. દુર્ગાદાસનો ૫૦ વર્ષનો દીકરો અવિનાશ રાઠોડ પણ ખેડૂત છે અને તે જ પોતાના પિતાને સારવાર માટે મુંબઈ લઈ આવ્યો હતો અને ૩૧ મેએ તેમને બૉમ્બે હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે એ સમયે તેને ખ્યાલ નહોતો કે આ સારવારનું બિલ તેના બે લાખ રૂપિયાના અંદાજ કરતા ઘણું વધીને સાત લાખ રૂપિયા સુધી પહોંચી જશે.

દુર્ગાદાસ પર જૂનમાં ઑપરેશન થયું હતું અને ડૉક્ટરોએ આપેલી માહિતી પ્રમાણે તેઓ એક અઠવાડિયામાં પોતાના પગ પર ચાલતા થઈ ગયા હતા. જોકે કમનસીબે સર્જરીના એક અઠવાડિયા પછી દુર્ગાદાસને ઇન્ફેક્શન થઈ જતાં તેમને વધારે સારવાર માટે હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં દાખલ કરવાની ફરજ પડી હતી. હવે હૉસ્પિટલમાં દાખલ થયાના પાંચ મહિના થઈ ગયા હોવા છતાં દુર્ગાદાસ હાલમાં અચેતન અવસ્થામાં હૉસ્પિટલના જનરલ વૉર્ડમાં પડ્યા છે.

દુર્ગાદાસના વતનમાં સુવિધાથી સજ્જ સારવારના વિકલ્પનો અભાવ હોવાના કારણે અવિનાશને તેમને બૉમ્બે હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. અવિનાશનો પરિવાર વાશિમમાં જ છે અને તે છેલ્લા પાંચ મહિનાથી બીમાર પિતાની સારવાર માટે મુંબઈમાં છે. હવે તેની પાસે હૉસ્પિટલનું બિલ ચૂકવવા જેટલા પૈસા ન હોવાથી તે પોતાના પિતાને ડિસ્ચાર્જ કરાવવા અસમર્થ છે. તે પોતાના પિતાની સારવાર માટે અઢી લાખ રૂપિયા તો ખર્ચ કરી ચૂક્યો છે, પણ તેની પાસે હવે બાકી રહેલા સાડાચાર લાખ રૂપિયાની ગોઠવણ કરવા માટે કોઈ જોગવાઈ નથી.

પોતાની સમસ્યા વિશે વાત કરતાં અવિનાશે કહ્યું હતું કે ‘મેં જ્યારે મારા પિતાને હૉસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે હૉસ્પિટલ તરફથી માહિતી મળી હતી કે મારા પિતાની સારવારનો ખર્ચ અઢી લાખ રૂપિયા કરતાં વધારે નહીં થાય. જોકે ટ્રીટમેન્ટ શરૂ થઈ એ પછી અત્યાર સુધી હું દવાઓ પાછળ અઢી લાખ રૂપિયા જેટલો ખર્ચ કરી ચૂક્યો છું. ઇન્ટેન્સિવ કૅર યુનિટ અને બીજી સારવારને કારણે બિલમાં સાડાચાર લાખ રૂપિયાનો વધારો થઈ ગયો છે. હું સામાન્ય ખેડૂત છું અને આટલી રકમની વ્યવસ્થા કરી શકું એમ નથી. મેં મદદ માટે અનેક ટ્રસ્ટોનો સંપર્ક કર્યો છે, પણ મને હજી એમના તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ નથી મYયો. હું મારા પિતાના ડિસ્ચાર્જ વિશે તપાસ કરવા ગયો ત્યારે ડૉક્ટર કેકી તુરેલે જણાવ્યું કે જ્યારે હું મારું બિલ ભરી દઈશ ત્યારે જ હૉસ્પિટલ મારા પિતાને ડિસ્ચાર્જ આપશે.’

બોમ્બે હૉસ્પિટલમાં કન્સલ્ટન્ટ ન્યુરોસજ્ર્યનની જવાબદારી નિભાવતા ડૉક્ટર કેકી તુરેલે કહ્યું હતું કે ‘દરદીને બ્રેઇન-ટ્યુમરની સમસ્યા હતી, પણ સર્જરીના એક અઠવાડિયા પછી તેઓ પોતાની મેળે ચાલી શકતા હતા. જોકે એકાએક તેમને ઇન્ફેક્શન થઈ જતાં ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં ખસેડવાની ફરજ પડી હતી, જેને કારણે બિલમાં બે લાખ રૂપિયા વધી ગયા હતા. હાલમાં દરદીને જનરલ વૉર્ડમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની પાસેથી રોજના દસ રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. મેં દરદીના સંબંધીને પૈસાની મદદ માટે શહેરનાં કેટલાંક ટ્રસ્ટોનો સંપર્ક કરવાનું જણાવ્યું હતું. હું પોતે પણ કેટલાંક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરી રહ્યો છું. એક વાર બધાં બિલ ક્લિયર થઈ જશે પછી દરદીને ડિસ્ચાર્જ આપી દેવામાં આવશે.’

હૉસ્પિટલનું શું કહેવું છે?

આ કેસ વિશે વાત કરવા માટે ‘મિડ-ડે’એ બૉમ્બે હૉસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ. ડી. પી. વ્યાસનો સંપર્ક કર્યો ત્યારે ખબર પડી કે તેઓ શહેરની બહાર છે. હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર આર. કે. ચૌધરીએ કહ્યું હતું કે ‘મને આ કેસની ખબર નથી. હું સોમવારે પેશન્ટના સંબંધીને મળીશ અને આમાં શું થઈ શકે છે એની તપાસ કરીશ. જો દરદી ખરેખર બિલ ભરી શકે એમ નહીં હોય તો હૉસ્પિટલ કોઈ દબાણ નહીં કરે અને ડૉક્ટરની સલાહ લઈને જો યોગ્ય લાગશે તો અમે ડિસ્ચાર્જ આપી દઈશું.’

રાજીવ ગાંધી જીવદાયી આરોગ્ય યોજનાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ડૉક્ટર કે. વેન્કટરામને કહ્યું હતું કે ‘આ યોજના અત્યાર સુધી રાજ્યના આઠ જિલ્લાઓમાં જ લાગુ પાડવામાં આવી છે અને એમાં જે હૉસ્પિટલોનો સમાવેશ થાય છે ત્યાં જ એના નિયમો લાગુ થઈ શકે છે. આ કેસમાં દરદી યોજના જે જિલ્લાઓમાં લાગુ પાડવામાં આવી છે એ જિલ્લાનો નથી અને હૉસ્પિટલનો પણ અમારી યોજનામાં સમાવેશ નથી થતો. આ કારણે અમે દરદીને અમારી યોજનામાં રજિસ્ટર કરીને તેનો તબીબી ખર્ચ ન ઉઠાવી શકીએ.’