ધ સન્ડે ઇન્ડિયનનાં છ વર્ષ અને ભારતમાં જોવા મળેલા છ મહત્વના બદલાવ

12 October, 2012 05:25 AM IST  | 

ધ સન્ડે ઇન્ડિયનનાં છ વર્ષ અને ભારતમાં જોવા મળેલા છ મહત્વના બદલાવ



અરિંદમ ચૌધરી

આ તમામ વર્ષો ખરેખર તોફાની રહ્યાં હતાં. આ છ વર્ષ દરમ્યાન આપણે માયાવતીને ઉત્તર પ્રદેશમાં ભવ્ય વિજય મેળવતાં અને ત્યાર પછી કારમો પરાજય વેઠતાં જોયાં છે. આ વર્ષો દરમ્યાન ભારત દુખદ રીતે વિશ્વકપમાં હારી ગયું હતું અને ત્યાર પછી જ્વલંત વિજય મેળવ્યો હતો. આ વર્ષો દરમ્યાન ભારતનું અર્થતંત્ર તોફાની હાથીથી બદલાઈને ફરી એક વાર પાંજરે પુરાયેલા વાઘ જેવું બની ગયું છે. આ વર્ષો દરમ્યાન બૉલીવુડની ખાનત્રિપુટીએ બૉક્સ-ઑફિસ પર પોતાની સર્વોપરિતા ફરી એક વાર સાબિત કરી દીધી છે. કોઈ પ્રાથમિકતા કે મહત્વ વિનાની મારી આ યાદી નીચે પ્રમાણે છે :

(૧) સુશાસનને જનસમર્થનના ચુકાદા મળ્યો છે : ૨૦૦૫માં બિઝનેસ ઍન્ડ ઇકૉનૉમી અને ફોરપીએસ બિઝનેસ ઍન્ડ માર્કેટિંગ શરૂ કર્યા પછી મેં અને મારી ટીમે ‘ધ સન્ડે ઇન્ડિયન’ શરૂ કરવાની યોજના બનાવી ત્યારે નીતીશકુમાર બિહારના મુખ્ય પ્રધાન બનવાનું સ્વપ્ન સાકાર કરવામાં થોડા માટે નિષ્ફળ ગયા હતા. ૨૦૦૬માં આ મૅગેઝિનની શરૂઆત કરવામાં આવી ત્યારે નીતીશકુમાર નિર્ણાયક ચુકાદો જીત્યા હતા. ૨૦૧૧માં તેઓ વધુ નિર્ણાયક ચુકાદો જીત્યા હતા. હવે તો જનતા તેમની વડા પ્રધાન બનવાની મહત્વાકાંક્ષાની ખૂલીને વાતો કરવા લાગી છે. આવી જ સ્થિતિ નરેન્દ્ર મોદીની છે. કૉન્ગ્રેસ માટે કોઈ ચમત્કારની આશા વિના મોદી ગુજરાતમાં સતત ત્રીજી વાર જીતવાની તૈયારી કરી રહ્યા છે. નીતીશની જેમ જ તેઓ પણ વડા પ્રધાનપદના ઉમેદવાર છે. શીલા દીક્ષિત અને નવીન પટનાયક અનુક્રમે દિલ્હી અને ઓડિશામાં સતત ત્રીજી વાર ચૂંટણી જીતી ચૂક્યાં છે. કેરળમાં ત્રીજો મોરચો, અજેય ગણાતો ડાબેરી મોરચો કૉન્ગ્રેસ સામે આઘાતજનક રીતે હારી ગયો હતો અને વિધાનસભાની ચૂંટણી માત્ર એક બેઠકથી હારી ગયો હતો. અકાલી દળ અને બીજેપીના ગઠબંધને પંજાબમાં અશક્ય ગણાતી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી અને પંજાબમાં સતત ત્રીજી વાર ચૂંટાઈ આવ્યાં હતાં.

(૨) મોટાં માથાંઓ જેલના સળિયા પાછળ ધકેલાયાં : ૨૦૦૬માં જ્યારે ‘ધ સન્ડે ઇન્ડિયન’નો પહેલો અંક બજારમાં મુકાયો, જે રીતે પ્રિયદર્શિની મટ્ટુ, જેસિકા લાલ અને નીતીશ કટારાના કથિત હત્યારાઓ સત્તા અને તેમને મળેલા વિશેષાધિકારોનો ઉપયોગ કરીને છટકી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા એની સામે ઉગ્ર રોષ પ્રવર્તી રહ્યો હતો. ન્યાયની આ કસુવાવડ સામે મિડિયા અને ઍક્ટિવિસ્ટોએ ઘણાં અભિયાન શરૂ કયાર઼્ હતાં. ‘ધ સન્ડે ઇન્ડિયન’ શરૂ થયાના થોડા જ સમયગાળામાં સંતોષ સિંહ, મનુ શર્મા અને વિકાસ યાદવ તે તમામને દોષી ઠરાવી આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી. એ જ સમયગાળામાં બિહારના સિવાનના કુખ્યાત મસલમૅન મોહમ્મદ શાહબુદ્દીનને ઘણી બધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. એવી જ રીતે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન અમરમણિ ત્રિપાઠીને મધુમીતા શુક્લાની હત્યા માટે સજા ફટકારવામાં આવી હતી.

(૩) કમ્યુનિકેશન ક્રાન્તિએ ભારતને બદલી નાખ્યું : અમે જ્યારે ‘ધ સન્ડે ઇન્ડિયન’ માટે લૉન્ચિંગની વ્યૂહરચના અને કન્ટેન્ટની યોજનાઓ બનાવી રહ્યા હતા ત્યારે મિડિયામાં ૨૦૦ મિલ્યન મોબાઇલ ફોન ગ્રાહકોનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા આડે ભારત નડી રહેલા અવરોધોના અહેવાલો પ્રસિદ્ધ કરી રહ્યું હતું. આજે આ બાબત કેટલી તુચ્છ લાગે છે. આજે ભારતમાં ૯૦ કરોડથી વધુ મોબાઇલ ફોનનાં જોડાણ છે અને આટલાં બધાં કૌભાંડો અને પડદા પાછળના સોદાઓ છતાં આ એક એવું ક્ષેત્ર છે જેણે ભારતની કાયાપલટ કરી નાખી છે. મોબાઇલ ફોન અને સોશ્યલ મિડિયા રમખાણો ફેલાવતાં નથી.

(૪) આંધળો મૂડીવાદ વકર્યો છે : છેલ્લાં છ વર્ષમાં જેમણે મારી કૉલમો અને તંત્રીલેખો વાંચ્યાં છે તેઓ સારી રીતે જાણે છે કે જ્યારે ‘ફૉબ્ર્સ’ અને ‘ફૉચ્યુર્ન’ મૅગેઝિનોએ ભારતના અબજોપતિઓની નવી યાદી જાહેર કરી ત્યારે મને ક્યારેય આશ્ચર્ય થયું નથી. યુપીએ સરકાર અને મિડિયામાંના એના ચિયર લીડર્સના વારંવારના ઇનકાર છતાં ૨ઞ્ સ્પેક્ટ્રમ કૌભાંડને કારણે દેશની તિજોરીને ૧.૭૬ લાખ કરોડ રૂપિયાનું નુકસાન ગયાનો કૅગનો હિસાબ ખરેખર સાચો હતો. તમે એવી દલીલ કરી શકો કે વાસ્તવિક ખોટ ૧.૭૬ લાખ કરોડ રૂપિયાથી ઓછી હોઈ શકે છે. આ સરકારના સૌથી શરમજનક ખુશામતિયાઓ પણ એ વાતને નકારી શકે એમ નથી કે ૨ઞ્એ આંધળા મૂડીવાદને અત્યંત ખરાબ રીતે રજૂ કર્યો હતો અને હવે કોલગેટ બહાર પડી રહ્યો છે. કહેવાતી સેઝ યોજનાઓ થકી ભારતીય નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.

(૫) વંશવાદની ચર્ચા પૂરી થઈ છે : મે ૨૦૦૯માં યુપીએ ગઠબંધને ઐતિહાસિક જનાદેશ મેળવ્યા પછી તરત જ આ મૅગેઝિને ‘વંશવાદની ચર્ચા પૂરી થઈ છે’ એવા શીર્ષક હેઠળની કવરસ્ટોરી પ્રસિદ્ધ કરી હતી. સરળ શબ્દોમાં કહીએ તો દૂરના ભવિષ્ય સુધી પણ ભારતમાં વંશવાદની બોલબોલા રહેવાની છે. રાહુલ ગાંધીને ‘યોગ્ય સ્થાન’ મેળવી લેવા માટે ખુશામત કરીને અને દબાણ લાવીને મનાવાઈ રહ્યા છે. અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે બેસી ગયા છે. સુખબીર સિંહ બાદલ પંજાબના અઘોષિત મુખ્ય પ્રધાન છે. જેમ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે બાળ ઠાકરેના વારસ બનવા ઝઘડી રહ્યા છે એમ કરુણાનિધિનાં પુત્રો અને પુત્રીઓ વારસાઈ માટે ઝઘડી રહ્યાં છે. શરદ પવારની પુત્રી સુપ્રિયા શૂળે તેના પિતરાઈ ભાઈ અજિત પવાર સામે મોરચો માંડી રહેલી જણાય છે. ઓમર અબદુલ્લાએ સરળતાથી કાશ્મીરમાં પિતા ફારુક અબદુલ્લાનું સ્થાન લઈ લીધું છે. તાજેતરમાં જ એક વિfલેષણમાં જણાયું છે કે ૩૫ વર્ષથી ઓછી ઉંમરના કૉન્ગ્રેસના લગભગ દરેક લોકસભા સંસદસભ્ય રાજકીય પરિવારોમાંથી આવે છે. કદાચ સામ્યવાદીઓ સિવાય દરેક રાજકીય પક્ષ આ બીમારીથી પીડાય છે.

(૬) મિડિયા એક જરૂરી દૂષણ છે : કમ્યુનિકેશન્સની જેમ છેલ્લાં છ વર્ષમાં મિડિયા ભારતમાં ઠેર-ઠેર ફૂલ્યું-ફાલ્યું છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ત્રાસવાદી અજમલ કસબની મૃત્યુદંડની સજા બહાલ રાખતાં ચૅનલોની તેમના સતત અને સૂઝબૂઝ વિનાના કવરેજ બદલ ઝાટકણી કાઢી હતી. જોકે આની બીજી બાજુ પણ છે. સક્રિય અને બોલકા મિડિયા વિના મનુ શર્મા, સંતોષ સિંહ, અમરમણિ ત્રિપાઠી અને માયા કોડનાની જેવા લોકોને કાયદાનો પરચો ન મળી શક્યો હોત. તમને ક્યાંક ને ક્યાંક કોઈ બ્લૉગર જોવા મળશે, જે એવા વિષયો પર લખશે જેના પર સાંપ્રત મિડિયા લખવા કે ચર્ચા કરવા ન માગતું હોય. હજારો લોકો એના પર એટલી બધી કમેન્ટ અને રીટ્વિટ કરશે કે સાંપ્રત મિડિયાએ એની ખામોશી તોડવી જ પડશે. તમે એને ચાહો કે નફરત કરો, પરંતુ એને અવગણી ન શકો. રાજકારણીઓની જેમ જ એ પણ લોકશાહીમાં જોવા મળતું એક જરૂરી દૂષણ છે.