પોતાની પુત્રી ગુમાવ્યા બાદ ૧૫૦૦ સ્ટુડન્ટ્સ માટે સંઘર્ષ

11 October, 2012 08:13 AM IST  | 

પોતાની પુત્રી ગુમાવ્યા બાદ ૧૫૦૦ સ્ટુડન્ટ્સ માટે સંઘર્ષ



શિરીષ વક્તાણિયા

મરીન લાઇન્સ-ઈસ્ટના મહર્ષિ રોડ પર આવેલા આયકર ભવન સામે ૯ જુલાઈએ ૩ વર્ષની કાવ્યા બિનાનીનું રસ્તો ક્રૉસ કરતી વખતે અકસ્માતમાં મૃત્યુ થતાં કાવ્યાના પિતા હેમંતે અહીંની ત્રણ સ્કૂલના કુલ ૧૫૦૦ વિદ્યાર્થીઓને આવા અકસ્માતથી બચાવવાનો જોરદાર પ્રયાસ હાથ ધયોર્ છે. કાવ્યાના પિતા હેમંતે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મેં મારી દીકરીને અકસ્માતમાં ખોઈ છે, પણ અન્ય પેરન્ટ્સ સાથે આવું નહીં થાય. મારી દીકરીનો ઍક્સિડન્ટ થયો એ સ્થળે સ્પીડ-બ્રેકર નહોતું, સ્કૂલનું ટ્રાફિક સિમ્બૉલ નહોતું, સિગ્નલ નહોતું, ટ્રાફિક-પોલીસની વ્યવસ્થા પણ નહોતી તથા રસ્તો ક્રૉસ કરતી વખતે ડિવાઇડર પર રેલિંગ પણ નહોતી; પણ હવે આ બધી વ્યવસ્થા અહીં ઉપલબ્ધ છે. વૉર્ડ ખ્ના સુધરાઈના વૉર્ડ-ઑફિસર ગણેશ સાનપ અને વીણા દાંડેકરના નેતૃત્વ હેઠળ આ કામ સફળ થયું છે.’

બ્લૉસમ્સ સ્કૂલમાં ભણતી ત્રણ વર્ષની કાવ્યા ૯ જુલાઈએ બપોરે ૧૨ વાગ્યે સ્કૂલથી છૂટ્યાં બાદ તેની માતા સાથે રસ્તો ક્રૉસ કરી રહી હતી એ વખતે થયેલા અકસ્માતમાં ટ્રક નીચે કચડાઈ ગઈ હતી.

હેમંત બિનાનીએ  મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મારી દીકરીનું મૃત્યુ થયા બાદ મેં મુંબઈના પોલીસ-કમિશનર, મેયર અને સુધરાઈના કમિશનરને લેટર લખી સ્કૂલની પાસે જરૂરી સુવિધાઓ બનાવી આપવાની માગણી કરી હતી. આ સ્કૂલ પાસે સ્પીડ-બ્રેકર નહોતું, સ્કૂલનું ટ્રાફિક સિમ્બૉલ નહોતું, ડિવાઇડર પર રેલિંગ પણ નહોતી. જો આ સુવિધાઓ પહેલેથી અહીં હોત તો આજે મારી દીકરી જીવતી હોત.’

કોલાબાના ટ્રાફિક-પોલીસ ઍડ્મિનિસ્ટ્રેશન ઑફિસર બી. આર. જાધવે કહ્યું હતું કે ‘કાવ્યાનો અકસ્માત થયો એ વિસ્તારની ત્રણે સ્કૂલના છૂટવાના અને સ્કૂલમાં જવાના સમયે આ સ્કૂલના વિદ્યાર્થીઓની સલામતી માટે અમારા ટ્રાફિક હવાલદારની ટીમ આ વિસ્તારમાં ઊભી રહેશે.’