સોમવારી બજાર બંધ કરવા નગરસેવકો આવ્યા રસ્તા પર

04 October, 2012 07:33 AM IST  | 

સોમવારી બજાર બંધ કરવા નગરસેવકો આવ્યા રસ્તા પર



પ્રીતિ ખુમાણ

મીરા રોડમાં દર સોમવારે ભરાતી સોમવારી બજારના કારણે આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓ ભારે હેરાન થઈ ગયા છે. તેથી લોકોની સુરક્ષા, ટ્રાફિકની સમસ્યા તેમ જ આરોગ્યના પ્રfન સહિત જીવ જોખમમાં મુકાય એવી બજારને બંધ કરવાની માગણી સાથે નગરસેવકો રસ્તા પર ઊતરી આવ્યા હતાં.

મીરા રોડ રેલવે-સ્ટેશનથી લઈને શાંતિનગરના મોટા ભાગના પરિસરમાં દર સોમવારે ઠેકઠેકાણે ફેરિયાઓ બપોર પછી જ્યાં-ત્યાં બેસવા લાગે છે. મીરા રોડની સોમવારી બજાર ખૂબ પ્રખ્યાત હોવાથી લોકો દૂર-દૂરથી અહીં ખરીદી કરવા આવે છે. આ બજારમાં ખૂબ જ ઓછી કિંમતે બધી વસ્તુઓ મળી જતી હોવાથી લોકો ખરીદી કરવા પડાપડી પણ કરે છે.

મીરા-ભાઈંદર પ્રશાસન છેલ્લાં બે વર્ષથી બજારમાં બેસતા ફેરિયાઓ પાસેથી દંડ ભરીને ધંધો કરવાની પરવાનગી આપતી હોવાથી ફેરિયાઓએ અહીં પોતાનો અડ્ડો જમાવ્યો છે. વરલી, સાયન, વિરાર, કુર્લા, ભિવંડી જેવી દૂર-દૂરની જગ્યાઓથી ફેરિયાઓ આ બજારમાં સામાન વેચવા આવે છે. સોમવારે કોઈ પણ જગ્યાઓએ ફેરીવાળાઓ બેસતા હોવાથી અહીંના રહેવાસીઓએ નાકે દમ આવી ગયો છે. સોમવારે આ પરિસરમાં ચાલી પણ ન શકાય એવી હાલત હોય છે. બપોરથી જ ફેરિયાઓનો જોરદાર અવાજ, ટ્રાફિક થતો હોવાથી વાહનોનો અવાજ, ચાલવાની જગ્યા ન હોવાથી ધક્કા મારીને ચાલવું પડે છે; આ બધાને કારણે રહેવાસીઓ ત્રાહિમામ્ થઈ ગયા છે. રહેવાસીઓ દ્વારા ઢગલાબંધ ફરિયાદો થઈ હોવા છતાં પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી ન હોવાથી રહેવાસીઓએ ભારે નિરાશા વ્યક્ત કરી છે. અસંખ્ય ફેરીવાળાઓના કારણે ટ્રાફિક જૅમ થાય છે, ફેરિયાઓ આખા પરિસરમાં કચરો ઠાલવીને જતા રહે છે, ભીડ વધુ હોવાથી ચેઇન-સ્નૅચિંગ, મહિલાઓને છેડછાડ કરવા જેવા બનાવો; આવી ઘણી સમસ્યાઓને કારણે રહેવાસીઓ કંટાળી ગયા છે. કેટલીયે વાર રહેવાસીઓએ પોલીસ-સ્ટેશને પણ આ વિશે ફરિયાદ નોંધાવી છે. તેથી નવા ચૂંટાઈને આવેલા બીજેપી-સેનાના નગરસેવકોએ એક થઈને આ બજાર બંધ કરવાની માગણી પ્રશાસન પાસે કરી છે. તેમ જ નગરસેવકોએ રસ્તા પર ઊતરી તેમનો વિરોધ પણ દાખવ્યો હતો.

આ વિશે જણાવતાં બીજેપીના વૉર્ડ-ક્રમાંક ૩૭નાં નગરસેવિકા નયના વસાણીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ પરિસરમાં રહેતા લોકોની સંખ્યાબંધ ફરિયાદો અમને મળી હોવાથી આ પરિસરના બીજેપી-સેનાના નગરસેવકો એક થઈને બજારને બંધ કરવા રસ્તા પર ઊતર્યા હતા. અમે બધા મળીને મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં પત્ર આપ્યો છે. કોઈના પેટ પર લાત મારવી ન હોવાથી અમે ફેરીવાળાઓ તેમના ઝોનમાં ધંધો કરે એવી માગણી કમિશનરને કરી છે. એટલે ટૂંક સમયમાં રહેવાસીઓને દર સોમવારે થતી હેરાનગતિથી છુટકારો મળશે.’

પ્રશાસનનું શું કહેવું છે?

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર વિક્રમ કુમારે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ફેરીવાળાઓને હૉકર્સ ઝોનમાં હટાવવાના હોવાથી પૂરતો પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ થતાં જ કાર્યવાહી કરવામાં આવશે.’

બીજેપી= ભારતીય જનતા પાર્ટી