દુકાનમાં ઘૂસ્યા દસ ચોર

04 October, 2012 07:30 AM IST  | 

દુકાનમાં ઘૂસ્યા દસ ચોર



ગણેશોત્સવના પહેલા જ દિવસે મીરા રોડ સ્ટેશનની અને માર્કેટ પાસે જ આવેલા પરિસરની એક મોબાઇલની દુકાનમાંથી ધોળે દિવસે લાખો રૂપિયાની ચોરી થઈ હતી. દુકાનની લગભગ ૩૦૦ મીટરની દૂરી પર જ પોલીસચોકી હોવા છતાં ચોરી કરનાર આરોપીઓને પકડવામાં પોલીસ હજી સુધી નિષ્ફળ રહી છે, પણ દુકાનમાં રહેલા સીસીટીવી કૅમેરામાં ચોરોની દરેક હરકત કેદ થઈ છે. કૅમેરામાં એક નહીં, પણ દસ ચોરોએ દુકાનમાં સાથે ઘૂસીને ચોરી કરી હોવાનું જાણવા મળતાં દુકાનદારોમાં ચિંતાનું વાતાવરણ ફેલાઈ ગયું છે.

મીરા રોડના શાંતિનગરમાં આવેલી જૈન ટેલિલિન્ક નામની મોબાઇલની શૉપમાં ગણેશોત્સવના પહેલા દિવસે એટલે કે બુધવારે સાંજે ૪થી ૭ વાગ્યાની આસપાસ ચોરી થઈ હતી. ચોરોએ દુકાનનું શટર તોડીને આરામથી અંદર ઘૂસીને શૉપમાં રહેલા લગભગ બધા જ મોબાઇલ અને રોકડ રકમ ચોરી લીધાં હતાં. ૭ વાગ્યા બાદ દુકાનમાલિક દુકાને પહોંચ્યો ત્યારે તેને ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.

દુકાન અને દુકાનની બહાર સીસીટીવી કૅમેરા લગાડ્યા હોવાથી ચોરોની હરકતો એમાં કેદ થઈ છે, પણ એમ છતાંય પોલીસ હજી સુધી ચોરોને શોધી શકી નથી.

સીસીટીવી = ક્લૉઝ્ડ સર્કિટ ટેલિવિઝન