વાસ મારતા લેડીઝ કોચથી મહિલાઓ ત્રાહિમામ

04 October, 2012 05:28 AM IST  | 

વાસ મારતા લેડીઝ કોચથી મહિલાઓ ત્રાહિમામ



રોહિત પરીખ

મુંબઈ, તા. ૪

ગઈ કાલે સવારે નોકરીએ જઈ રહેલી મહિલાઓને સેન્ટ્રલ રેલવેના મૅનેજમેન્ટનો ખરાબ અનુભવ થતાં ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો. આમ છતાં નોકરી પર જવાની ઉતાવળમાં તેમણે એ ઉશ્કેરાટ મનમાં જ રાખી દેવો પડ્યો હતો. તેમની પાસે ફરિયાદ કરવા માટે સેન્ટ્રલ રેલવેનો કોઈ ફોન-નંબર ન હોવાથી ફરિયાદ કરી શકી નહોતી. મહિલાઓ કહે છે રેલવેના સત્તાવાળાઓએ ડબ્બામાંથી ગંદકી તો સાફ ન કરાવી, પણ ડબ્બો સાફ થશે એ ધારણાથી ઊભેલી મહિલાઓને કલ્યાણ સ્ટેશન પર જ મૂકીને ટ્રેન સીએસટી જવા રવાના થઈ ગઈ હતી.

ગઈ કાલે સવારે પોણાનવ વાગ્યે કર્જતથી સીએસટી જવા નીકળેલી લોકલ ટ્રેનના કર્જત તરફના મહિલાના ડબ્બામાં ચારે બાજુ ટૉઇલેટની ગંદકી હોવા છતાં એને ધોવામાં આવ્યો નહોતો. આ ગંદકી એવી રીતે ફેલાયેલી હતી કે મહિલાઓ માટે કોઈ પણ ખૂણામાં ઊભા રહેવું કે હૅન્ડલ પકડવું પણ મુશ્કેલ હતું. આ ગંદકીને લીધે ડબ્બામાં ખૂબ વાસ પણ મારતી હતી. આનાથી ત્રાસેલી મહિલાઓએ કલ્યાણ પાસે લોકલ ટ્રેનની ઇમર્જન્સી ચેઇન ખેંચી ટ્રેન ઊભી રાખીને ડબ્બાને સાફ કરવાની ફરિયાદ કરી હતી.

ઘાટકોપર (ઈસ્ટ)ના પંતનગરમાં અકાઉટન્ટ તરીકે નોકરી કરતી અને રોજ ઉલ્હાસનગરથી આવતી કચ્છી જૈન મહિલા ૩૨ વર્ષની જાગૃતિ વિકમશીએ ‘મિડ-ડે’ને ગઈ કાલે સવારે સેન્ટ્રલ રેલવેના ખરાબ અનુભવની વાત કરતાં કહ્યું હતું કે ‘અમારી ફરિયાદ પછી અમે બધી જ મહિલાઓએ રેલવેના કર્મચારીઓને સરળ પડે એ માટે ડબ્બો ખાલી કરી નાખ્યો હતો. ટ્રેન અડધો કલાક સુધી કલ્યાણ સ્ટેશન પર ઊભી રહી હતી. અમને એમ કે હમણાં કોઈ સફાઈ-કર્મચારી આવશે અને ડબ્બાને સાફ કરશે, પરંતુ અમારા આશ્ચર્ય વચ્ચે ડબ્બો સાફ થયા વગર જ ટ્રેન સીએસટી જવા રવાના થઈ ગઈ હતી.’

સીએસટી = છત્રપતિ શિવાજી ટર્મિનસ