નાની વયનો મૂર્તિકાર, પણ ફક્ત પોતાના ઘર માટે જ

26 September, 2012 08:28 AM IST  | 

નાની વયનો મૂર્તિકાર, પણ ફક્ત પોતાના ઘર માટે જ



વેસ્ટમાં લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર આવેલી ગંગાવાડી પાસેની અંબિકા ચાલમાં રહેતો ૧૫ વર્ષનો રાહુલ ગોકુળ વરિયા ૧૩ વર્ષની ઉંમરથી પોતે જ ગણેશજીની મૂર્તિ બનાવે છે અને તેના ઘરમાં એની સ્થાપના કરીને ૧૧ દિવસ પછી એનું વિસર્જન કરે છે. રાહુલના પિતા રિક્ષા ચલાવે છે.

નાનપણથી જ ક્રાફ્ટ અને આટ્ર્‍સના શોખીન મૂળ જામનગરના રાહુલ વરિયાએ ફક્ત શોખ ખાતર ત્રણ વર્ષ પહેલાં પીઓપી (પ્લાસ્ટર ઑફ પૅરિસ)માંથી ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું. પહેલા વર્ષે ૧૦ ઇંચની મૂર્તિ બનાવી એને જરીથી સજાવી હતી. બીજા વર્ષે ૧૧ ઇંચની બનાવી હતી, પણ પોતે બીમાર થતાં સજાવટ કરી નહોતી. આ વર્ષે તેણે ૧૨ ઇંચની મૂર્તિ બનાવી છે, જેને આર્ટિફિશ્યલ ડાયમન્ડથી અને ધોતિયા પર બૉર્ડર, માથામાં પાઘડી, હાથમાં મોરપંખ, ફૂલ અને સાલ પહેરાવી છે. આ કાર્યમાં તેની ૧૯ વર્ષની બહેન કિરણ મદદરૂપ થાય છે.

રાહુલના પિતા ગોકુળભાઈએ રાહુલની કલાની બાબતે વાત કરતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ રાહુલને મળેલી ગૉડ-ગિફ્ટ છે. તેને કોઈએ શીખવાડ્યું નથી. તેને ત્રણ વર્ષ પહેલાં ગણેશજીની મૂર્તિ બનાવવાની ઇચ્છા થઈ અને તેણે મૂર્તિ બનાવી અમને બતાવી ત્યારથી અમારા ઘરમાં અમે ગણેશોત્સવ સમયે ગણેશજીની સ્થાપના કરીએ છીએ.’