શૉર્ટકટ ન અપનાવો

26 September, 2012 04:40 AM IST  | 

શૉર્ટકટ ન અપનાવો



પ્રતિબંધ હોવા છતાં રવિવારે રાત્રે બાઇક પર જે. જે. ફ્લાયઓવર પરથી પસાર થવા જતાં ૧૮ વર્ષના ભાવિન જૈન અને ૨૦ વર્ષના દીપેશ રાવલનાં અકસ્માતમાં મૃત્યુ થયાં હતાં. તેમના પેરન્ટ્સે યુવાનોને સલાહ આપતાં ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યુવાનોએ આ ફ્લાયઓવર પરથી બાઇક પર પસાર થવું ન જોઈએ તથા એના પર ૨૪ કલાક ટ્રાફિક-પોલીસ ફરજિયાત હોવો જ જોઈએ. જો રવિવારે આ ફ્લાયઓવર પર ટ્રાફિક-પોલીસની ટીમ ઊભી હોત તો કદાચ અમારા પુત્ર બચી ગયા હોત.’

અકસ્માતમાં મૃત્યુ પામેલા બન્ને યુવકો હિન્દુજા કૉલેજમાં એફવાયબીકૉમના સ્ટુડન્ટ્સ હતા. ગઈ કાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રેકૉર્ડ મુજબ આ ફ્લાયઓવર પર અકસ્માતમાં લગભગ ૭૦થી વધુ યુવાનોએ તેમના જીવ ગુમાવ્યા છે. જોકે આ ફ્લાયઓવર પરથી બાઇક લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં યુવાનો બાઇક લઈને પસાર થાય છે. અત્યાર સુધી મુંબઈનો સૌથી લાંબો બ્રિજ તરીકે ઓળખાતો જે. જે. ફ્લાયઓવર લગભગ ૨.૧ કિલોમીટર લાંબો છે એટલે યુવાનો શૉર્ટકટ અપનાવવા આ ફ્લાયઓવરનો ઉપયોગ કરે છે.

લાલબાગ વિસ્તારના ચિવડા ગલીમાં આવેલા કમલકુંજ બિલ્ડિંગના બીજા માળે રહેતા ભાવિનના પિતા કિશોરભાઈએ કહ્યું હતું કે ‘મારા પુત્રનો જન્મદિવસ ૧૩ સપ્ટેમ્બરે હતો, પણ પયુર્ષણ હોવાથી તેણે જન્મદિવસ નહોતો ઊજવ્યો એટલે રવિવારે રાત્રે સાડાઆઠ વાગ્યે કૉલેજના મિત્રોને પાર્ટી આપવા કફ પરેડમાં તેના મિત્ર દીપેશ રાવલ સાથે બાઇક પર જઈ રહ્યો હતો એ વખતે જે. જે. ફ્લાયઓવર પર અકસ્માત થતાં ભાવિન અને દીપેશનાં મૃત્યુ થયાં હતાં. ભાવિન ગમે ત્યાં જતો ત્યારે ઘરમાં હંમેશાં કહીને જતો. રવિવારે પણ તે ઘરે અમને કહીને ગયો હતો, પણ જો તેમણે ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું હોત તો આ અકસ્માત ન થયો હોત અને તેઓ બચી ગયા હોત.’

ભાવિનના પરિવારમાં તેના પિતા કિશોરભાઈ, માતા સાધનાબહેન તથા ભાઈ સુમીતનો સમાવેશ છે.

ચિંચપોકલી વિસ્તારના બાવલાવાડી વિસ્તારમાં આવેલા શાંતિ કમલ ટાવરમાં નવમા માળે રહેતા દીપેશના પિતા કૈલાસ રાવલે કહ્યું હતું કે ‘દીપેશને બાઇક ચલાવવાનો ઘણો શોખ હતો એટલે અમે કૉલેજ જવા માટે તેને બાઇક લઈ આપી હતી. તે ટેબલટેનિસમાં ડિસ્ટિÿક્ટ લેવલનો ખેલાડી હતો. જો તેમણે ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું હોત તો તે આજે અમારી સાથે હોત. જે. જે. ફ્લાયઓવર પર પ્રતિબંધનું બોર્ડ લગાવવામાં આવ્યું હોવા છતાં લોકો આ ફ્લાયઓવર પરથી બાઇક લઈને પસાર થાય છે. જો આ ફ્લાયઓવર પર ૨૪ ક્લાક ટ્રાફિક-પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવે તો આવા અકસ્માતો ટાળી શકાય. આઘાત લાગવાથી હાલમાં દીપેશની માતા સંજનાબહેનનું બ્લડપ્રેશર વધી ગયું છે અને તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.’

ભાવિનના પરિવારમાં તેનો ભાઈ જયેશ, બહેન શોભા, પિતા શૈલેશભાઈ અને માતા સંજનાબહેનનો સમાવેશ છે.

એફવાયબીકૉમ = ફર્સ્ટ યર બૅચલર ઑફ કૉમર્સ

જે. જે. = જમશેદજી જીજીભોય