પોલીસે કૉલેજ પાસે દોઢ લાખનો ખર્ચ કરાવીને ફુટેજ પાછું મેળવ્યું

25 September, 2012 04:51 AM IST  | 

પોલીસે કૉલેજ પાસે દોઢ લાખનો ખર્ચ કરાવીને ફુટેજ પાછું મેળવ્યું



વિલે પાર્લેની એન. એમ. કૉલેજમાં ભણતા ૧૬ વર્ષના સ્ટુડન્ટ પ્રસાદ બગરિયાના ૨૮ ઑગસ્ટે થયેલા રહસ્યમય મૃત્યુ બાબત તપાસ દરમ્યાન જુહુપોલીસે કૉલેજના સીસીટીવી કૅમેરામાં એ દિવસે રેકૉર્ડ થયેલા ફુટેજને પાછું મેળવવા કૉલેજના મૅનેજમેન્ટ પાસે દોઢ લાખ રૂપિયા ખર્ચ કરાવ્યો હતો અને કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાંથી સીસીટીવી કૅમેરાનું ફુટેજ પાછું મેળવી લીધું હતું. જોકે આ સીસીટીવી ફુટેજમાં કશું જ ક્લિયર દેખાતું નથી.

ઝોન-૯ના ડીસીપી પ્રતાપ દિઘાવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રસાદ બગરિયા કેવી રીતે નીચે પડી ગયો એ જાણવા માટે અમે કૉલેજ પાસે સીસીટીવી કૅમેરાનું ફુટેજ મગાવ્યું ત્યારે કૉલેજ-ઑથોરિટીએ કહ્યું હતું કે સીસીટીવી કૅમેરાનું ફુટેજ ઓવરરાઇટ થઈ ગયું છે એટલે કૉલેજની ફુટેજની હાર્ડ-ડિસ્ક જમા કરી અમે ફુટેજ પાછું તૈયાર કર્યું છે, પણ આ એમાં કશું જ ક્લિયર દેખાતું નથી.’

બગરિયા પરિવારે આક્ષેપ કયોર્ હતો કે ‘પ્રસાદ સુસાઇડ કરે એવો નહોતો. અમને શંકા છે કે તેને કોઈકે ધક્કો મારીને નીચે ફેંકી દીધો હોવો જોઈએ. કૉલેજનું સીસીટીવી કૅમેરાનું ફુટેજ પણ ડિલીટ થઈ ગયું હતું. અમે કૉલેજ પાસે ૨૮ ઑગસ્ટનું ફુટેજ માગવા ગયા એ વખતે કૉલેજ-ઑથોરિટીએ એ ઓવરરાઇટ થઈ જતાં ડિલીટ થઈ ગયું હોવાનું અમને કહ્યું હતું. પોલીસે પણ અમારી મદદ કરી નહોતી.’

જુહુ પોલીસ-સ્ટેશનના

પોલીસ-ઇન્સ્પેક્ટર મચ્છીન્દ્ર બોડકેએ કહ્યું હતું કે ‘પ્રસાદે સુસાઇડ કર્યું એ જગ્યાનું અમે ફુટેજ લઈ તેના પેરન્ટ્સને બતાવ્યું હતું, પણ કેવી રીતે એ નીચે પડી ગયો એ ફુટેજમાં દેખાયું નહોતું. આ ફુટેજમાં બે યુવતીઓ કૉલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભી હતી ત્યારે પ્રસાદ નીચે પડી ગયો હતો અને એક યુવતીએ જોરથી ચીસ પાડી હતી. કેવી રીતે તે નીચે પડ્યો હતો એ જાણવા માટે બગરિયા પરિવારે પોલીસ-સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હતી.’

સીસીટીવી = ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન

એન.એમ. = નરસિંહ મોનજી

ડીસીપી = ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ