ગુજરાતી વિદ્યાર્થિનીનો વિનયભંગ કરવા બદલ સ્કૂલ-ટીચરની ધરપકડ

20 September, 2012 06:16 AM IST  | 

ગુજરાતી વિદ્યાર્થિનીનો વિનયભંગ કરવા બદલ સ્કૂલ-ટીચરની ધરપકડ



સાંતાક્રુઝ (ઈસ્ટ)માં આવેલી શેઠ ચીમનલાલ નથુરામ સ્કૂલના બીજા ધોરણમાં ભણતી છ વર્ષની ગુજરાતી વિદ્યાર્થિનીનો વિનયભંગ કરવાના આરોપસર સોમવારે સાંજે વાકોલા પોલીસે ૩૦ વર્ષના શિક્ષક સંતોષ દળવીની ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું હતું કે ‘છેલ્લા ઘણા મહિનાથી સંતોષ આ સ્ટુડન્ટની છેડતી કરતો હતો. સોમવારે પણ તેણે આ સ્ટુડન્ટની છેડતી કરી હતી અને એને લીધે બાળકીને છાતીમાં ઘણી પીડા થતાં તેણે પેરન્ટ્સને ફરિયાદ કરી હતી. સંતોષની વિરુદ્ધ અગાઉ પણ વિનયભંગના કેસ છે કે નહીં એની પોલીસ તપાસ કરી રહી છે.’

સંતોષ દળવી સ્કૂલમાં કમ્પ્યુટર-ટીચર તરીકે કામ કરતો હતો. ઑથોરિટીને છેડતીની માહિતી મળતાં સંતોષને નોકરીથી કાઢી મૂકવામાં આવ્યો છે. સ્કૂલ-ઑથોરિટીનું કહેવું છે કે સંતોષ ત્રણ વર્ષથી કૉન્ટ્રૅક્ટ બેઝિસ પર સ્કૂલમાં કામ કરતો હતો અને કાયમી કર્મચારી નહોતો.

પોલીસે કહ્યું હતું કે ‘સંતોષ ક્લાસ ચાલુ હોય એ વખતે આ વિદ્યાર્થિનીની છેડતી કરતો હતો. વિદ્યાર્થિનીને સંતોષે ધમકી પણ આપી હતી કે જો તે બીજા કોઈને કે તેના પેરન્ટ્સને આ વિશે કંઈ પણ કહેશે તો તેણે ભયાનક પરિણામોનો સામનો કરવો પડશે એટલે વિદ્યાર્થિનીએ કોઈને કંઈ કહ્યું નહોતું. સંતોષ નિયમિત તેનો વિનયભંગ કરતો હતો.’

સોમવારે બપોરે સ્કૂલ ચાલુ હતી ત્યારે વિદ્યાર્થિની કમ્પ્યુટર-રૂમમાં કમ્પ્યુટર શીખી રહી હતી અને સંતોષ આખા ક્લાસને શીખવાડી રહ્યો હતો. એ વખતે રોજ પ્રમાણે સંતોષે તેની છેડતી કરી હતી એટલે વિદ્યાર્થિનીને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. સ્કૂલમાંથી છૂટ્યા પછી તેણે સ્કૂલની બહાર તેની માતાને છાતીમાં દુખાવો થાય છે એમ કહ્યું હતું અને સ્કૂલ-ટીચરની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ તેની મમ્મીએ સ્કૂલની ઑથોરિટીનો સંપર્ક કરીને પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. સોમવારે રાત્રે સ્કૂલ-ટીચર સંતોષ દળવીની ધરપકડ કરવામાં આવી હતી.

વાકોલા પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર ભાસ્કર કોરેએ કહ્યું હતું કે ‘સંતોષ દળવીની મહિલાની છેડતી કરવાના ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ગઈ કાલે તેને બાંદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેને ૧૫,૦૦૦ રૂપિયાના જામીન પર છોડવામાં આવ્યો હતો.’

સ્કૂલના ટ્રસ્ટી વતી તેમના પર્સનલ અસિસ્ટન્ટ અજિત પવારે કહ્યું હતું કે ‘આ ઘણી દુ:ખદ વાત છે. અમે સંતોષને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. સ્કૂલમાં આવા બનાવો ફરી ન બને એ માટે અમે અગાઉથી જાગ્રત રહીશું.’