બૅન્કમાં સફાઈ કરતી બાઈને લાગેલો ૧૦ લાખ રૂપિયાનો જૅકપૉટ લાંબો ન ટક્યો

15 September, 2012 09:14 AM IST  | 

બૅન્કમાં સફાઈ કરતી બાઈને લાગેલો ૧૦ લાખ રૂપિયાનો જૅકપૉટ લાંબો ન ટક્યો



ઘાટકોપર (વેસ્ટ)ના એલબીએસ માર્ગ પર આવેલી સાઉથ ઇન્ડિયન બૅન્કના અધિકારીઓની ભૂલનો બૅન્કની સાફસફાઈ કરવાવાળી બાઈ ફાયદો ઉઠાવવા તો ગઈ, પણ સીસીટીવીએ તેને ઝડપી લીધી હતી.

સાઉથ ઇન્ડિયન બૅન્કના અધિકારીઓએ સોમવારે સાંજે બૅન્કની કૅશ ગણીને વૉલ્ટમાં મૂકી દીધી, પણ તેઓ ૧૦ લાખ રૂપિયા મૂકવાનું ભૂલી ગયા હતા. મંગળવારે સવારે બૅન્કમાં ત્રણ વર્ષથી સાફસફાઈ કરતી સુનીતા પવારનું ધ્યાન ૧૦ લાખ રૂપિયા પર ગયું હતું. પવારે આ રૂપિયા કચરાના ડબ્બામાં નાખી એ ડબ્બો બહાર મૂકી દીધો હતો. લંચ-બ્રેકમાં ડબ્બામાંથી સુનીતા પવાર આ રૂપિયા લઈને તેના ઘરે મૂકી આવી હતી. તેને ખબર નહોતી કે તેનું આ કારસ્તાન સીસીટીવીમાં કેદ થઈ ગયું હતું.

મંગળવારે સવારે બૅન્કના અધિકારીઓ ફરજ પર આવ્યા ત્યારે તેમને તિજોરીમાં ૧૦ લાખ રૂપિયા ઓછા જણાતાં તેમણે તપાસ શરૂ કરતાં યાદ આવ્યું કે તેઓ એ રૂપિયા કાઉન્ટર પર જ ભૂલી ગયા હતા. તરત જ તેમણે ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ કરી હતી. પોલીસે સુનીતા પવાર સહિત બૅન્કના બધા જ કર્મચારીઓની પૂછપરછ કરી, પણ તેમને કાંઈ હાથ લાગ્યું નહોતું. આખરે પોલીસે સીસીટીવીનો સહારો લેતાં એમાં સુનીતા પવારનું કારસ્તાન બહાર આવી ગયું હતું.

ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રામ માંડુરકેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુનીતા પવાર પાસેથી ૧૦ લાખ રૂપિયા પૂરા મળી ગયા છે. તેની નીયત પૈસા જોઈને ખરાબ થઈ ગઈ હતી, બાકી તેનો રેકૉર્ડ સારો હોવાથી તેને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.’

સીસીટીવી = ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન, એલબીએસ = લાલ બહાદુર શાસ્ત્રી