વસઈ ગ્રામપંચાયતની ચૂંટણી એકતરફી

13 September, 2012 07:03 AM IST  | 

વસઈ ગ્રામપંચાયતની ચૂંટણી એકતરફી



વસઈ તાલુકામાં આવેલી છએ છ ગ્રામપંચાયતની ચૂંટણીમાં સ્પષ્ટ વિજય મેળવીને વિવેક પંડિતે ગ્રામીણ વિસ્તારમાં હજી પણ પોતાનો દબદબો હોવાનું પુરવાર કર્યું હતું. વસઈ તાલુકાની બધી જ ગ્રામપંચાયતમાં વિજય મેળવવાનો ઇતિહાસ જનઆંદોલન સમિતિએ ૨૦ વર્ષ બાદ દોહરાવ્યો છે.

વિજય બાદ વિવેક પંડિતે એનું શ્રેય કાર્યકરો અને ગામવાસીઓને આપ્યું હતું. બીજી તરફ હિતેન્દ્ર ઠાકુરની બહુજન વિકાસ આઘાડીના પ્રવક્તા અજીવ પાટીલે એવો બચાવ કર્યો હતો કે વિધાનસભાની ચૂંટણી કરતાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં બહુજન વિકાસ આઘાડીના મતોની ટકાવારીમાં વધારો થયો છે અને કેટલીક બેઠકો પર જનઆંદોલન સમિતિને અત્યંત પાતળી સરસાઈથી વિજય મળ્યો હતો.

રાનગાંવમાં કુલ ૧૧ બેઠકો પર ચૂંટણી થઈ હતી. એમાંથી જનઆંદોલન સમિતિને ૭ અને બહુજન વિકાસ આઘાડીને ૪ બેઠક મળી હતી. તરખડમાં નવેનવ બેઠક જનઆંદોલન સમિતિને મળી હતી. વાસળઈમાં ૧૧માંથી જનઆંદોલન સમિતિને ૭ અને બહુજન વિકાસ આઘાડીને ચાર, ખોચીવડેની ૯માંથી જનઆંદોલન સમિતિને ૬ અને બહુજન વિકાસ આઘાડીને ત્રણ, ટીવરીની ૭માંથી જનઆંદોલન સમિતિ અને શિવસેનાની પ્રગતિ પૅનલને ૪ અને બહુજન વિકાસ આઘાડીને ૩, અગાસી ખાતેના ટેમ્ભી-કોલ્હાપુરમાં ૧૧માંથી જનઆંદોલન સમિતિને ૬ અને બહુજન વિકાસ આઘાડીને ૫ બેઠક મળી હતી. આ ચૂંટણીમાં ગ્રામપંચાયતના લોકોને મહાનગરપાલિકામાં જોડાવા સામે વિરોધ હોવાનું પણ બહાર આવ્યું હતું. જનઆંદોલન સમિતિએ પ્રચારમાં ‘હમારે ગાંવ મેં હમારા રાજ’નો નારો આપ્યો હતો અને એને નાગરિકોએ પ્રતિસાદ આપ્યો હતો.