મીરા-ભાઇંદરના કોઈ પણ જ્વેલરને ર્કોટે આરોપી જાહેર કર્યા વગર હથકડી પહેરાવી તો આંદોલન

13 September, 2012 06:49 AM IST  | 

મીરા-ભાઇંદરના કોઈ પણ જ્વેલરને ર્કોટે આરોપી જાહેર કર્યા વગર હથકડી પહેરાવી તો આંદોલન



ભાઈંદરના તેરાપંથ હૉલમાં રવિવારે યોજાયેલી મીરા-ભાઈંદર જ્વેલર્સ અસોસિએશનની બેઠકમાં બિનહરીફપણે મહારાષ્ટ્ર રાજ્ય સરાફા મહામંડળના અધ્યક્ષપદે ચૂંટાઈ આવેલા ફતેહચંદ રાંકાએ પોતાના પહેલાં જ ભાષણમાં પોલીસના અત્યાચારો સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘મીરા-ભાઈંદરના કોઈ પણ જ્વેલરને જ્યાં સુધી ર્કોટ આરોપી જાહેર ન કરે ત્યાં સુધી હાથકડી પહેરાવવામાં આવશે તો વેપારીઓ તેના વિરોધમાં રસ્તા પર ઊતરશે.’


રવિવારે યોજાયેલી આ બેઠકમાં મીરા-ભાઈંદરનાં બધાં અસોસિએશનોના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મીરા-ભાઈંદરના વેપારીઓએ પોતાની સમસ્યા નવા ચૂંટાઈને આવેલા સરાફાના અધ્યક્ષને કરી હતી.
 આ બેઠકમાં કેટલાય અગત્યના મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી અને કેટલાય નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. જેમ કે વેપારીઓએ હવે સીસીટીવી કૅમેરાનાં ૧૨ મહિનાનાં ફુટેજ ફરજિયાત રાખવાં પડશે તેમ જ ગ્રાહકો પાસેથી ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પૈસા લેતાં પહેલાં ઓળખ આપતો પુરાવો લેવો જરૂરી છે તેમ જ કોઈ પણ વ્યક્તિ જો માલ ન ખરીદે તો તેને ડેબિટ કે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને કૅશ આપવી નહીં. પોલીસ વેપારીઓને ખૂબ જ હેરાન કરે છે એ બાબત પણ બેઠક દરમ્યાન આગળ આવી હતી. એ સિવાય જો જ્વેલરને ત્યાં ચોરીનો કોઈ માલ વેચાયો તો એની તપાસ પોલીસે કરવી, પણ કોઈ જ્વેલરને ર્કોટ આરોપી જાહેર ન કરે ત્યાં સુધી હાથમાં હથકડી નાખશે તો વેપારીઓ એનો તીવ્ર વિરોધ કરશે અને આંદોલન કરવા રસ્તા પર પણ ઊતરશે. દુકાનમાં આવતી દરેક વ્યક્તિ પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે.
સીસીટીવી = ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન