આવતી કાલે ઘાટકોપરના ગણેશમંદિરમાં અંગારકીની ઉજવણી

03 September, 2012 05:04 AM IST  | 

આવતી કાલે ઘાટકોપરના ગણેશમંદિરમાં અંગારકીની ઉજવણી

શ્રી ગણેશ્વર મંદિરના સંચાલકોએ ઉજવણીની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે છેલ્લાં દસ વર્ષથી ભાદરવા વદ ચોથના દિવસે અંગારકીનો ઉત્સવ ધામધૂમથી ઊજવીએ છીએ. એમાં ૧૫૦૦થી ૨૦૦૦ ગણેશભક્તો ભાગ લે છે. આ વર્ષે પણ સવારે દસ વાગ્યાથી શ્રી ગણેશજીની પૂજાનો પ્રારંભ કરવામાં આવશે. બપોરે ત્રણ વાગ્યે શ્રી જગતપાલન કર્તાનો મહાવિષ્ણુ યાગ કરવામાં આવશે. આ અંગારકી યાગમાં અમે પ્રથમ વાર સાંજે સવાપાંચ વાગ્યે સત્યનારાયણની કથાનું આયોજન કર્યું છે. સાંજે છ વાગ્યે ૫૬ ભોગનું નૈવેદ્ય ચડાવવામાં આવશે. સાંજે સવાછ વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ કરી સાડાછ વાગ્યે મહાઆરતી કરવામાં આવશે.’

પંતનગરના શ્રી ગણેશ મંદિરનું નૂતનીકરણ કર્યા પછી આ પહેલી અંગારકી છે. મંદિરના નૂતનીકરણ પછી આ મંદિરમાં રસ્તા પરથી જતા ભક્તો પણ દૂરથી દર્શન કરી શકે એ માટે ગણેશજીની મૂર્તિને એના જૂના સ્થાનથી ત્રણ ફૂટ ઊંચા સ્થાને બિરાજમાન કરાવવામાં આવી છે. અહીંના સંચાલકોએ અંગારકીની ઉજવણીની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારે ત્યાં જે રીતે દર મંગળવારે વહેલી સવારે ચાર વાગ્યે દર્શનાર્થે મંદિર ખૂલી જાય છે એ જ રીતે આવતી કાલે પણ સવારે ચાર વાગ્યે ખૂલશે. દિવસના બે વાર આરતી થશે. આનાથી વિશેષ કોઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી.’

સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શનની ખાસ વ્યવસ્થા

આવતી કાલે અંગારકી ચતુર્થી નિમિત્તે પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા આવનારા લાખો ભાવિકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પુરુષ ભાવિકો માટે નદુર્લ્લા ટૅન્ક મેદાનમાં અને મહિલા ભાવિકો માટે મંદિરની બાજુમાં આવેલા પ્રતીક્ષાલયમાં ભવ્ય મંડપ બાંધવામાં આવ્યા છે. શારીરિક રીતે ફિટ ન હોય એવા સિનિયર સિટિઝનો, અક્ષમ લોકો, પૂરા મહિના સાથેની ગર્ભવતી મહિલાઓ, બે વર્ષથી નાનાં બાળકો સાથે આવેલાં દંપતીઓને અગવડ ન પડે એ માટે દર્શન કરવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

સોમવારે મધરાતે બાર વાગ્યા પછી કાકડ આરતી, અભિષેક, મહાપૂજા અને ત્યાર પછી મહાઆરતી થશે. પોણાબે વાગ્યા પછી ભાવિકોને લાઇનથી દર્શન કરવા દેવામાં આવશે. સવાત્રણ વાગ્યે આરતી માટે દર્શનની લાઇન બંધ કરવામાં આવશે અને સાડાત્રણ વાગ્યે આરતી પછી ૩.૫૦ વાગ્યાથી ફરી દર્શન ખુલ્લાં મૂકવામાં આવશે.

આ વખતે અંદાજે ૧૫ લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે એવી શક્યતા છે. દર્શને આવનારા ભાવિકો માટે ફસ્ર્ટ એઇડ જેવી સુવિધા ઉપરાંત ડૉક્ટરો સાથેની ત્રણ ઍમ્બ્યુલન્સ પણ તહેનાત છે. લાઇનમાં ઊભા હોય ત્યારે પણ ભાવિકો મોટી સ્ક્રીન પર ભગવાનનાં દર્શન કરી શકશે. આ વિસ્તારમાં આવતી કાલ માટે ટ્રાફિક-પોલીસે કેટલાક રોડ પર ટ્રાફિક-નિયમન પણ કર્યું છે. અંદાજે ૬૦૦થી ૭૦૦ પોલીસ લોકોની સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા છે.