શિક્ષણની ઉંમર નથી હોતી

28 August, 2012 04:59 AM IST  | 

શિક્ષણની ઉંમર નથી હોતી

આ વાત છે કુર્લાના કમાની હિલ પર રહેતી ૩૧ વર્ષની લક્ષ્મી ઈશ્વર સોલંકીની. લક્ષ્મી અત્યારે ઘાટકોપર (વેસ્ટ)ની કામા લેનમાં આવેલી શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળામાં આઠમા ધોરણમાં ભણી રહી છે. સપ્ટેમ્બર ૧૯૮૦માં જન્મેલી લક્ષ્મીએ ૧૯૯૪માં ઘરની પરિસ્થિતિ સાનૂકૂળ ન હોવાથી તેનું ભણતર છોડી દીધું હતું. આમ તો તે સુધરાઈની સ્કૂલમાં ભણતી હતી. આમ છતાં તેનાં મા-બાપ પાસે લક્ષ્મીને આગળ ભણાવવા માટે પૈસા નહોતા એટલે તે તેના ગામમાં માસીને ત્યાં રહેવા જતી રહી હતી.

 

ઈશ્વર સોલંકીના ઘરમાં લક્ષ્મી સૌથી મોટી દીકરી. ત્યાર પછી બે દીકરીઓ અને એક દીકરો. તેઓ મુલુંડમાં સાફસફાઈ કરે છે. તેની મમ્મી અને નાની બહેન લોકોના ઘરે ઘરકામ કરવા જાય છે. લક્ષ્મી કદમાં નાની હોવાથી તેનાં માસી તેને ડૉક્ટર પાસે સારવાર માટે ગામ લઈ ગયાં હતાં જ્યાં તેની સારવાર તો ન થઈ શકી, પણ એ જ ડૉક્ટરના દવાખાનામાં તેને નોકરી મળી ગઈ. એમાંથી તે મુંબઈ પૈસા મોકલી મા-બાપને મદદ કરતી હતી. ભણવાની ઘણી ઇચ્છા હતી, પરંતુ એ ઇચ્છાને તેણે મનમાં જ ધરબી રાખી હતી અને કામમાંથી થતી આવકથી હંમેશાં આનંદમાં રહેતી હતી.

મુંબઈમાં તેની નાની બહેનનાં લગ્ન થઈ ગયાં અને તેને ત્યાં એક દીકરી જન્મી. નાની બહેનની દીકરીને સંભાળવા માટે ફરી લક્ષ્મી મુંબઈ આવી ગઈ. એ દીકરીને લક્ષ્મી સાથે એટલું બધું અટૅચમેન્ટ થઈ ગયું કે હવે તેને માસીની સાથે જ રહેવું હતું. ૨૦૦૬માં લક્ષ્મી શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળામાં તેની ભાણીના ઍડ્મિશન માટે આવી. સ્કૂલના પ્રાગંણમાં પગ મૂકતાં અને સ્કૂલ ફક્ત કન્યાઓ માટે છે એ જાણીને તેની વષોર્થી દબાયેલી ભણવાની મહેચ્છા પાછી પ્રગટ થઈ હતી. સ્કૂલનાં પ્રિન્સિપાલ નંદા ઠક્કર કહે છે, ‘લક્ષ્મીએ તેના મનની વાત મને કરી જે સાંભળી હું તો હરખાઈ ગઈ. આજના કાળમાં આ ઉંમરે કોઈ ગુજરાતી કન્યાને ભણવાની ઇચ્છા થાય એ પ્રશંસનીય હતું. તેની બહેનની દીકરીએ બાળમંદિરમાં ઍડ્મિશન લીધું અને સુધરાઈની સ્કૂલમાં છઠ્ઠા ધોરણ સુધી ભણેલી લક્ષ્મીને અમે સાતમા ધોરણમાં ઍડ્મિશન આપ્યું હતું. તે ભણવામાં ઍવરેજ છે, પણ તેનામાં રહેલી ભણવાની ઉત્તેજનાએ તેને ઉંમર ભુલાવીને ભણતી કરી દીધી છે. લક્ષ્મીએ સિદ્ધ કરી દીધું છે કે મનોબળ મજબૂત હોય તો ભણવાની કોઈ ઉંમર હોતી નથી. ભણવા માટે લગન, ધ્યેય અને ઉત્સાહ જોઈએ જે લક્ષ્મીમાં છે અને એનો અમને ગર્વ છે.’

- રોહિત પરીખ