મહાવિતરણે કરી છેતરપિંડી

22 August, 2012 06:57 AM IST  | 

મહાવિતરણે કરી છેતરપિંડી

અંકિતા સરીપડિયા

મુલુંડ-વેસ્ટમાં ભક્તિ માર્ગ પર આવેલી ત્રિદેવ-૨ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં મહાવિતરણે લાઇટિંગ, લિફ્ટ, વૉટરપમ્પ અને સ્ટેરકેસ કનેક્શન એક જ મીટરમાં જોડી છેતરપિંડી કરી ૧૨,૦૦૦ રૂપિયા જેટલું વધુ ઇલેક્ટ્રિસિટી બિલ બતાવ્યું છે. આથી સોસાયટીએ પોતાને થયેલા અન્યાય સામે લડત આપવાનું નક્કી કર્યું છે એટલું જ નહીં, આ વિસ્તારમાં આવેલી બીજી સોસાયટીઓ સાથે પણ આવી જ રીતે છેતરપિંડી કરવામાં આવી હોય તો તેમને પણ પોતાની લડતમાં સામેલ થવાનું આહ્વાન કર્યું છે.

ત્રિદેવ સોસાયટીના સેક્રેટરી મનહર ત્રિવેદીએ આ બાબતે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારી સોસાયટીમાં ત્રણ વિંગ આવેલી છે અને દરેક વિંગમાં ૩ મીટર છે એમ કુલ મળી ૩ વિંગમાં ૯ મીટર બેસાડવામાં આવ્યાં હતાં. મહાવિતરણના કર્મચારીઓએ જૂન મહિનામાં ૯માંથી ૬ મીટર કાઢી ૩ મીટર કરી નાખ્યાં હતાં અને જણાવ્યું હતું કે મીટરો ઓછાં કરવાથી તમારી સોસાયટીનું બિલ ઓછું આવશે. તેથી અમે તેમને મીટરો લઈ જવા માટે હા પાડી હતી, પરંતુ બિલમાં ઘટાડો થવાને બદલે બિલમાં વધારો જોવા મળ્યો છે. અમારી ત્રણે વિંગનું કુલ મળી મહિનાનું ૫૫,૦૦૦ની આસપાસ બિલ આવતું હતું, પરંતુ મીટરો ઓછાં કર્યા બાદ જૂન-જુલાઈ મહિનાનું બિલ ૧૨,૦૦૦ રૂપિયા જેટલું વધારે આવ્યું હતું. ત્યારે અમે ઇલેક્ટ્રિસિટી બિલની તપાસ કરી તો જાણવા મળ્યું કે લાઇટિંગ, લિફ્ટ, વૉટરપમ્પ અને સ્ટેરકેસ કનેક્શન એક જ મીટરમાં જોડી દેવામાં આવ્યાં છે. મહાવિતરણના કર્મચારીઓએ બધાં વધારાનાં મીટરો કાઢીને એક કૉમન મીટરનું જોડાણ કર્યું છે અને બધાં મીટરોને ક્લબ કરવાને કારણે બિલ વધુ આવ્યું છે. બિલમાં દર્શાવ્યા પ્રમાણે મે-જૂનના મહિનાથી જૂન-જુલાઈ મહિનામાં ૨૬૨ યુનિટ ઓછા વાપર્યા હોવા છતાં ઇલેક્ટ્રિસિટીનું બિલ ૧૧,૭૩૦ રૂપિયા વધુ આવ્યું છે. મે-જૂનમાં દર્શાવવામાં આવેલું એ-વિંગનાં ત્રણ મીટરનું બિલ ૨૯,૨૦૦ રૂપિયા, બી-વિંગનાં ત્રણ મીટરનું બિલ ૧૨,૩૭૦ રૂપિયા અને સી-વિંગનાં ત્રણ મીટરનું ૧૬,૭૦૦ રૂપિયા એમ કુલ મળી ૫૮,૨૭૦ રૂપિયા બિલ આવ્યું હતું. એની સરખામણીમાં જૂન-જુલાઈનું એક મીટરનું એ-વિંગનું ૩૫,૬૦૦ રૂપિયા, બી-વિંગનું ૧૬,૬૬૦ રૂપિયા અને સી-વિંગનું ૧૭,૭૪૦ રૂપિયા એમ કુલ મળી ૭૦,૦૦૦ રૂપિયા  બિલ આવ્યું હતું.

મહાવિતરણના ફેરટેબલના આધારે જે નવું બિલ તૈયાર કર્યું છે એની માહિતી આપતાં જણાઈ આવ્યું કે મહાવિતરણ દ્વારા ત્રિદેવ સોસાયટી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેથી અમે મહાવિતરણના અધિકારીઓને વધુ બિલ આવવા માટેની ફરિયાદ કરતાં આ બાબતે વધુ તપાસ કરવાની લેખિત માગણી કરી છે અને વધુ બિલ ન આવે એ માટેનાં સૂચનો પણ લેખિત પત્રમાં આપ્યાં છે.’

આ વાતને ધ્યાનમાં રાખી ત્રિદેવ સોસાયટીના સેક્રેટરી, ચૅરમૅન અને કમિટી મેમ્બરોએ બીજી સોસાયટીઓને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે કે નહીં એની તપાસ શરૂ કરી છે અને મહાવિતરણના આવા કારભાર સામેની લડતમાં આવી સોસાયટીઓનો સાથ મેળવવાનું નક્કી કર્યું છે.