ફાયર-હાઇડ્રન્ટ બન્યા છે નકામા

17 August, 2012 10:00 AM IST  | 

ફાયર-હાઇડ્રન્ટ બન્યા છે નકામા

 

 

(મેઘના શાહ)


મુંબઈમાં મંત્રાલયમાં આગ લાગી ત્યારે થયેલી જાનહાનિ માટે એક કારણ એ પણ હતું કે આવા તાકીદના સમયે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે લગાવવામાં આવેલા ફાયર-હાઇડ્રન્ટ કામ કરતા નહોતા. મંત્રાલયની આગ બાદ શહેરમાં રહેલા બધા ફાયર-હાઇટ્રન્ટનું સર્વેક્ષણ ચાલુ કરવામાં આવ્યું છે.


ફાયર કન્ટ્રોલ રૂમના ડેટા મુજબ આખા મુંબઈમાં લગભગ ૧૦,૮૪૦ ફાયર-હાઇડ્રન્ટ છે, પણ એમાંથી કેટલા નકામા છે એના આંકડા મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. મિડ-ડે Localએ સાન્તાક્રુઝ-પાર્લા-અંધેરીના વિસ્તારમાં કરેલા સર્વે મુજબ ૭૦થી ૮૦ ટકા ફાયર-હાઇડ્રન્ટ નકામા હોવાનું જણાયું છે અને ઘણા તો રસ્તાના સમારકામમાં જમીનમાં દબાઈ ગયા છે. આ વિશે પાર્લાના વિધાનસભ્ય ક્રિષ્ના હેગડેએ મિડ-ડે Localને કહ્યું હતું કે ‘મંે આ બાબતે તપાસ કરાવી છે અને મારા આ વિસ્તારના ૩૦૦ જેટલા ફાયર-હાઇડ્રન્ટ છે જેમાંથી ૭૦ ટકા ડૅમેજ્ડ છે. એનું કારણ એ છે કે કાં તો એ રસ્તાની  નીચે દબાઈ ગયા છે અથવા તો એને ઉખાડીને ફેંકી દેવામાં આવ્યા છે.’
અંધેરી-વેસ્ટમાં ફાયર-સ્ટેશનના ઇન્ચાર્જ ઑફિસર આર. ડી. ભોરે આ વિશે વધુ જાણકારી આપતા મિડ-ડે Localને કહ્યું કે ‘અમારો આ બાબત વિશે સર્વે ચાલુ છે, પણ અંદાજે અમારા વિસ્તારમાં ૨૫૦ ફાયર-હાઇડ્રન્ટ છે અને એમાંથી મોટા ભાગના ડૅમેજ થયેલા છે. એનું કારણ રસ્તા બનાવનારા છે. એ લોકો કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર રસ્તાનું કામ ચાલુ કરી દે છે અને પછી એ રસ્તાને લેવલ કરવા માટે હાઇડ્રન્ટને દબાવી દે છે. અમે તો ઘણી વખત જોયું છે કે રાત્રે દારૂડિયાઓ હાઇડ્રન્ટ ઉખાડીને લઈ જાય છે અને વેચી નાખે છે. આમાં અમારી કોઈ ભૂલ નથી, અમે કામ હાથમાં લીધું છે.’


અંધેરી-ઈસ્ટમાં ફાયર-સ્ટેશનના અસિસ્ટન્ટ સ્ટેશન-ઑફિસર સોનવણેએ આ બાબતે વધુ જાણકારી આપતાં મિડ-ડે Localને કહ્યું કે ‘અમારા વિસ્તારમાં ૩૮૧ ફાયર-હાઇડ્રન્ટ છે જેમાંથી ૮૦ ટકા નકામા છે અને એ માટે આગળ સર્વે ચાલી રહ્યો છે. ૧૦થી ૧૫ દિવસમાં એનો રર્પિોટ આવી જશે.’