ગોવિંદનગર-પ્રેમનગર માટે નથી બેસ્ટની બસ અથવા શૅર-એ-રિક્ષા

17 August, 2012 09:58 AM IST  | 

ગોવિંદનગર-પ્રેમનગર માટે નથી બેસ્ટની બસ અથવા શૅર-એ-રિક્ષા

 

બોરીવલી-વેસ્ટમાં આવેલા ગોવિંદનગર અને પ્રેમનગર વિસ્તારમાં બેસ્ટની બસની સુવિધા નથી. વર્ષો પહેલાં આ રૂટ પર બસ હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં બેસ્ટની બસની સુવિધા નથી. બીજી બાજુ આ વિસ્તારમાં શૅર-એ-રિક્ષા પણ નથી. તેમ જ પીક-અવર્સમાં આ એરિયાઓમાં મીટરથી જવા માટે રિક્ષા મળવી પણ મુશ્કેલ છે. બેસ્ટની બસ તેમ જ શૅર-એ-રિક્ષાની સુવિધા ન હોવાથી તેમ જ મીટરથી જવા રિક્ષા મળવી મુશ્કેલ હોવાથી આ વિસ્તારના લોકોને વાહનવ્યવહારમાં ભારે હાલાકી ભોગવવી પડે છે.


પ્રેમનગરમાં રહેતા રાજેશ ગોગરીએ કહ્યું હતું કે ‘પીક-અવર્સમાં અમારા વિસ્તારમાં રિક્ષા ન મળવાથી ભારે હાલાકી થાય છે, કારણ કે અમારે ત્યાં બસની સુવિધા પણ નથી. આ વિસ્તારથી સ્ટેશન જવા માટે કે બીજી કોઈ જગ્યાએ જવા માટે રિક્ષા મેળવવા પંદરથી વીસ મિનિટ અને કેટલીક વખત અડધો કલાક સુધી ઊભા રહેવું પડે છે. આ વિસ્તારથી બહાર જવા માટે તેમ જ સ્ટેશનથી ઘરે આવવા માટે પણ રિક્ષા મળવી મુશ્કેલ છે, કારણ કે બોરીવલી-વેસ્ટમાં ચંદાવરકર રોડ પાસેથી પણ અમારા વિસ્તાર માટે રિક્ષાવાળા આવવા માટે ઝડપથી તૈયાર થતા નથી; કેમ કે ત્યાં શૅર-એ-રિક્ષા વધુ હોય છે જેમાં ગોરાઈ ખાડી, ગોરાઈ બ્રિજ, યોગીનગર વગેરે માટેની શૅર-એ-રિક્ષાઓ હોય છે. મારા દીકરાને તેની કૉલેજથી ઘરે આવવા બોરીવલી ચંદાવરકર રોડ પાસેથી રિક્ષા લેવી પડે, પરંતુ તેને જલદી રિક્ષા ન મળતાં રોજ ઘરે આવતાં મોડું થાય છે. અમારા વિસ્તારમાં બસ-સર્વિસ તેમ જ શૅર-એ-રિક્ષાઓ પણ શરૂ કરવામાં આવે તો સારું.’


 ગોવિંદનગર વિસ્તારના વેપારી અમિત ઠક્કરે કહ્યું હતું કે ‘આ વિસ્તારમાં રિક્ષા સહેલાઈથી ન મળતી હોવાથી હું રોજ મારી ગાડીમાં શૉપ પર આવું છું. મારો મોબાઇલનો બિઝનેસ છે. આથી મારા કામથી કેટલીક વખત બોરીવલી સ્ટેશન જવું પડે છે. ત્યાં પાર્કિંગની સમસ્યા હોવાથી મારે રિક્ષામાં સ્ટેશન સુધી જવાનું થાય છે. એ સમયે મને રિક્ષા મેળવતાં ખૂબ જ હાલાકી થાય છે. એમાંય ઘણી વખત વરસાદમાં હું મારી ગાડી લાવતો નથી. મારું ઘર બોરીવલી-ઈસ્ટના રાવલપાડા વિસ્તારમાં છે. આ વિસ્તારથી રાવલપાડા જવાનું નામ લેતાં રિક્ષાવાળાઓ ગૅસ ખાલી થઈ ગયો છે, રિક્ષા આપવાનો સમય થયો છે કહી ઝડપથી આગળ નીકળી જાય છે. જો આ વિસ્તારમાં શૅર-એ-રિક્ષા કે બસની સુવિધા હોય તો સારું.’


દહિસર વિધાનસભા ક્ષેત્રના યુવા સેનાના વિભાગ સેક્રેટરી દેવેન્દ્ર આંબેકરે કહ્યું હતું કે ગોવિંદનગરમાં હું વર્ષોથી રહું છું. અંદાજે પાંચેક વર્ષ પહેલાં આમારા વિસ્તારમાં ૨૭૯ નંબરની બેસ્ટની બસ હતી, પરંતુ એ બંધ થયે ઘણો સમય થઈ ગયો. અમારા વિસ્તારના લોકો માટે બેસ્ટની બસની સુવિધા શરૂ થાય તેમ જ શૅર-એ-રિક્ષા શરૂ થાય એ માટે બેસ્ટમાં તેમ જ આરટીઓ ઑફિસમાં લેટર આપવાના છીએ.’