બાબુલનાથમાં શિવલિંગને ત્રણ દિવસ પાણીમાં ડુબાડી રખાય?

05 August, 2012 03:27 AM IST  | 

બાબુલનાથમાં શિવલિંગને ત્રણ દિવસ પાણીમાં ડુબાડી રખાય?

બકુલેશ ત્રિવેદી

મુંબઈ, તા. ૫

દેશમાં સારો વરસાદ નથી પડી રહ્યો ત્યારે એ માટે વૈજ્ઞાનિક ઉપાયોની સાથે-સાથે શ્રદ્ધાળુઓ દ્વારા દેવને પણ રીઝવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્રણ દિવસ શંકર ભગવાન પર પૂર્ણ જળાભિષેક કરી તેમને પાણીમાં ડુબાડવામાં આવે અને જ્યારે પાણી પાર્વતીમાતાનાં ચરણને સ્પર્શ કરે ત્યારે સારો વરસાદ થાય છે એમ શિવપુરાણમાં દર્શાવવામાં આવ્યું છે. એ પ્રયોગ આ વર્ષે‍ ભક્તો શ્રાવણ માસમાં કરવા માગતા હતા, પણ અમુક ટ્રસ્ટીઓએ એ પૂજા શ્રાવણમાં નહીં પણ ત્યાર પછી આવતા અધિક ભાદરવામાં કરવાનું નક્કી કર્યું છે અને એ માટે કારણ એ આપવામાં આવ્યું છે કે અમુક ભક્તો આખો શ્રાવણ મહિનો પૂજા કરી રહ્યા છે એટલે તેમની પૂજા ખંડિત ન થાય એ માટે આમ કરવામાં આવ્યું છે. આમ કેટલાક ભક્તોની પૂજાને કારણે આખા સમાજની સુખાકારીને સ્પર્શતો જળાભિષેક રોકી દેવામાં આવ્યો છે.

ઓછા વરસાદની સમસ્યાને હલ કરવા બાબુલનાથના ભક્તો દ્વારા આ પહેલાં પણ બે વખત આ રીતનો અભિષેક કરવામાં આવ્યો હતો એમ જણાવતાં એક ભક્તે કહ્યું હતું કે ‘બાબુલનાથમાં અમે ૧૯૭૬માં અને ૧૯૯૧માં એમ બે વાર આ જળાભિષેક કર્યા પછી સારો વરસાદ થયો હતો એટલે આ વર્ષે‍ પણ અમે એ કરવા માગતા હતા. શ્રાવણમાં ભગવાન શંકરની પૂજાનો મહિમા વધુ હોય છે. બીજું, મુંબઈમાં જૂનના પહેલા અઠવાડિયાથી વરસાદની શરૂઆત થઈ જાય છે. આ વખતે ઑગસ્ટનું પહેલું વીક ચાલી રહ્યું છે તો પણ જોઈએ એવો વરસાદ પડતો ન હોવાથી જેટલી વહેલી તકે આ પૂજા થાય એ સારું અને જો શ્રાવણ માસમાં થાય તો ઉત્તમ હોય છે. આ માટે અમે ટ્રસ્ટીઓને પ્રપોઝલ મૂકી હતી. કેટલાક ટ્રસ્ટીઓ આ માટે સંમત થયા હતા. જોકે સામે અન્ય ભક્તોની માસિક પૂજા એનાથી ખંડિત થશે એમ કહીને અમુક ટ્રસ્ટીઓએ વિરોધ પણ નોંધાવ્યો હતો. અમને એ નથી સમજાતું કે કેટલાક ભક્તોની પર્સનલ પૂજાના ભોગે આખા સમાજની સુખાકારીને સ્પર્શતા આ મુદ્દાને પાછળ ઠેલવામાં આવે એ કેટલું યોગ્ય ગણાય?’

ટ્રસ્ટીમંડળના સુજલ શાહ સાથે ‘મિડ-ડે’એ વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે ‘આ રીતનો જળાભિષેક કરવાની પ્રપોઝલ અમને મળી છે અને અમે એ કરવાના છીએ, પણ એ પૂજા શ્રાવણ માસ પત્યા પછી બે-ચાર દિવસમાં કરવામાં આવશે. એનું કારણ એ છે કે જળાભિષેક કરવામાં આવે ત્યારે અન્ય કોઈ પૂજા થતી નથી. કેટલાક ભક્તોએ આખો શ્રાવણ ભગવાનની પૂજા કરવાનો નિયમ લીધો છે. જો જળાભિષેક કરવામાં આવે તો એ ભક્તોની પૂજા ખંડિત થાય એમ છે એટલે તેમની પૂજા ખંડિત ન થાય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.’

બાબુલનાથ મંદિરમાં જ અન્ય એક નાનું મંદિર છે અને ત્યાં શિવલિંગની સ્થાપના પણ કરવામાં આવી છે, શું ભક્તો એ શિવલિંગની પૂજા ન કરી શકે અને સમાજને ઉપયોગી અભિષેક પણ સમાંતરે ન કરી શકાય એવું પૂછવામાં આવતાં સુજલ શાહે કહ્યું હતું કે ના, ભક્તો બાબુલનાથદાદાની જ પૂજા કરે છે અને તેઓ તેમની જ પૂજાનો આગ્રહ રાખે છે એટલે હવે એ જળાભિષેક અધિક માસમાં જ થશે.