વિદ્યાર્થીઓને લેવા આવતાં વાહનોનો દાદાભાઈ રોડના રહેવાસીઓને ત્રાસ

03 August, 2012 07:43 AM IST  | 

વિદ્યાર્થીઓને લેવા આવતાં વાહનોનો દાદાભાઈ રોડના રહેવાસીઓને ત્રાસ

અંકિતા સરીપડિયા

વિલે પાર્લે-વેસ્ટમાં દાદાભાઈ નવરોજી રોડ પર આવેલી શ્રી વિલે પાર્લે કેળવણી મંડળ દ્વારા સંચાલિત ગુજરાતી મિડિયમની શ્રીમતી ગોકળીબાઈ પૂનમચંદ પિતાંબરદાસ હાઈ સ્કૂલ અને એની સાથે આવેલી ઇંગ્લિશ મિડિયમની ચત્રભુજ નરસી મેમોરિયલ (સીએનએમ) હાઈ સ્કૂલ નજીક સાંજે સ્કૂલ છૂટતી વખતે સંન્યાસ આશ્રમ ચોક પર થતા વાહનોના ટ્રાફિકથી રહેવાસીઓ ત્રાસી ગયા છે. સિનિયર સિટિઝનો અને રાહદારીઓને ચાલવામાં તેમ જ રસ્તો ક્રૉસ કરવામાં પણ મુશ્કેલી પડે છે.

વિલે પાર્લે-વેસ્ટના દાદાભાઈ રોડ પર આવેલા વ્યાસવાડી બિલ્ડિંગમાં રહેતા ૫૦ વર્ષના અજય દોશીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘એસ. વી. રોડને જોડાતા દાદાભાઈ નવરોજી રોડ પર આવેલી ગોકળીબાઈ સ્કૂલના વિદ્યાર્થીઓને લેવા માટે આવતાં પ્રાઇવેટ વાહનો સવારે ૧૦.૩૦ વાગ્યાથી જ પાર્કિંગ મળે એ માટે રસ્તાની બન્ને બાજુએ કોઈ પણ રોડ પર ગમે તેમ ગાડીઓ પાર્ક કરી દે છે. તેથી અહીંના રહેવાસીઓ અને પસાર થતા સિનિયર સિટિઝનો તેમ જ તમામ રાહદારીઓને ચાલવામાં અને રસ્તો ક્રૉસ કરવામાં તકલીફ પડે છે. તેમ જ ટ્રાફિકના કારણે કોઈ સ્થળ પર જવા માટે રિક્ષાઓ પણ મળતી નથી. સવારથી સાંજ સુધી અહીં ટ્રાફિક જૅમ રહે છે. એથી સ્કૂલ-વૅનના ડ્રાઇવરો સાથે ઘણી વાર ઝઘડા પણ થાય છે.’

ઈસ્ટ અને વેસ્ટને જોડતો કૅપ્ટન વિનાયક ગોરે બ્રિજ વિલે પાર્લે-ઈસ્ટમાં આવેલા શહાજી રાજે રોડને પણ જોડે છે. તેથી દાદાભાઈ નવરોજી રોડ પરના ટ્રાફિકની અસર સનસિટી થિયેટરથી ભુતા સ્કૂલ સુધી પણ થાય છે.

એસ. વી. રોડ = સ્વામી વિવેકાનંદ રોડ