મ્હાડા કૉલોનીના રહેવાસીઓને ત્રાસ સુલભ શૌચાલયની ગંદકીનો

16 August, 2012 06:38 AM IST  | 

મ્હાડા કૉલોનીના રહેવાસીઓને ત્રાસ સુલભ શૌચાલયની ગંદકીનો

એક બાજુ સુધરાઈ ઠેર-ઠેર બોર્ડ લગાડી મલેરિયા જેવા રોગ સામે ઝુંબેશ ચલાવી રહી છે અને બીજી તરફ સુધરાઈ સ્વચ્છતાનાં પગલાં લેવામાં ઊણી ઊતરી છે એવા આક્ષેપ ઘાટકોપર-ઈસ્ટના ૯૦ ફીટ રોડ પરનાં મ્હાડાનાં બિલ્ડિંગોમાં રહેતા રહેવાસીઓ કરી રહ્યા છે. ૯૦ ફીટ રોડ પર આવેલાં મ્હાડાનાં બિલ્ડિંગોની બહાર આ વિસ્તારમાં આવેલા સ્લમના રહેવાસીઓ અને દુકાનદારો માટે બાંધવામાં આવેલા સુલભ શૌચાલયની સહેજ પણ જાળવણી થતી ન હોવાથી એમાંથી ઊભરાઈને બહાર આવતી ગંદકી આ વિસ્તારના રહેવાસીઓના આરોગ્ય માટે જોખમકારક છે. આમ છતાં આ સમસ્યાનું નિરાકરણ કરવા કોઈ આગળ આવતું નથી.

ઘાટકોપર-ઈસ્ટના ૯૦ ફીટ રોડ પર આવેલા શૌચાલયના સંદર્ભમાં ફરિયાદ કરતાં અહીંના એક રહેવાસીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ શૌચાલયમાંથી ઊભરાઈને બારે મહિના ગંદકી બહાર રસ્તા પર જ આવે છે જેના પર સુધરાઈ તરફથી કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી. અધૂરામાં પૂરું આ શૌચાલયની બાજુમાં જ કચરાપેટી રાખવામાં આવી હતી, પણ સમય જતાં કચરાપેટી ત્યાંથી હટી ગઈ અને હવે લોકો બધો જ ગંદવાડ અને કચરો રસ્તા પર નાખે છે. શૌચાલયની ગંદકી ઊભરાઈને રસ્તા પર આવે એમાં રસ્તા પર જમા થયેલો ગંદવાડ અને કચરો ભેગો થતો હોવાથી ત્યાં મચ્છરોનાં ઝુંડ આવે છે જે આજુબાજુના બિલ્ડિંગના રહેવાસીઓને પણ ત્રાસ આપે છે. આ ગંદકીથી પેદા થતા મચ્છરોને લીધે મલેરિયા, ડેન્ગી જેવા રોગ ફેલાય છે. આ રસ્તા પરથી પસાર થતી તમામ વ્યક્તિઓને નજરમાં આવે એવી સમસ્યા છે તો શું સુધરાઈના અધિકારીઓની નજરમાં આ સમસ્યા હજી સુધી આવી નથી? શું અહીંના સામાજિક કાર્યકરોને અમારી બદતર પરિસ્થિતિ નજરે આવતી નથી? આમ છતાં કેમ હજી સુધી આ સમસ્યાનું હંમેશાંને માટે નિરાકરણ થતું નથી એ જ સમજાતું નથી.’

મ્હાડા = મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી

કચરો લઈ જશે ઘરેથી

શૌચાલયની બાજુની દીવાલ પર સુધરાઈએ સ્પષ્ટ સૂચના લખેલી છે કે કચરાગાડી તમારા ઘરેથી આવીને કચરો લઈ જશે. એનો મતલબ કે અહીં કચરો નાખશો નહીં. આમ છતાં અહીં કચરાના ઢગલા થતા હોય છે.