લગ્નોત્સુક બ્રાહ્મણ યુવક-યુવતીના મેળાવડાને મળ્યો બહોળો પ્રતિસાદ

30 December, 2011 08:47 AM IST  | 

લગ્નોત્સુક બ્રાહ્મણ યુવક-યુવતીના મેળાવડાને મળ્યો બહોળો પ્રતિસાદ

 

બ્રાહ્મણ સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાયેલા આ મેળાવડામાં ૬૦૦ જેટલાં લગ્નોત્સુક યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. ૧૯૯૨માં સ્થપાયેલા બ્રાહ્મણ સોશ્યલ ગ્રુપ દ્વારા આ વીસમો મેળાવડો હતો.

બોરીવલી (વેસ્ટ)ની ફૅક્ટરી લેનમાં આવેલી એમ. કે. હાઈ સ્કૂલમાં યોજાઈ ગયેલા આ મેળાવડા વિશે માહિતી આપતાં ગ્રુપના પ્રમુખ જયેન્દ્ર પી. મહેતાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મેળાવડામાં ૧૦૦૦ જેટલાં યુવક-યુવતીઓએ નામ નોંધાવ્યાં હતાં. જોકે પ્રત્યક્ષ રીતે ૬૦૦ યુવક-યુવતીઓ જ હાજર રહ્યાં હતાં. આમાં ૬૦ ટકા જેટલા યુવકો હતા તથા ૪૦ ટકા જેટલી યુવતીઓ હતી. આ પ્રકારનો અમારો આ વીસમો મેળાવડો છે. મેળાવડાને પચાસ ટકા જેટલી સફળતા મળે છે એમ અમારા અત્યાર સુધીના અનુભવમાં જણાયું છે.’

મુંબઈમાં વસતા કોઈ પણ ગુજરાતી બ્રાહ્મણ જ્ઞાતિનાં યુવક-યુવતીઓ આ મેળાવડામાં ભાગ લઈ શકે છે. ગ્રુપના કન્વીનર રમણીક ઉપાધ્યાયે કહ્યું હતું કે ‘મેળાવડો એકદમ જ આયોજનબદ્ધ રીતે યોજવામાં આવે છે અને એના બે તબક્કા હોય છે. પ્રથમ તબક્કામાં યુવક-યુવતી પોતપોતાની ઓળખ આપે છે. બીજા તબક્કામાં પસંદ પડતાં યુવક-યુવતી કૉન્ફરન્સ મારફત એકબીજા વિશે વધુ જાણકારી મેળવે છે. અમારા ગ્રુપનાં

દેશ-વિદેશમાં મળીને ૧૪૦ કેન્દ્રો છે જે લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે પ્લૅટફૉર્મ પૂરું પાડે છે. વર્તમાન સામાજિક સમસ્યાનો આ એક ઉકેલ પણ છે.’

મુંબઈમાં બ્રાહ્મણોની આઠ લાખ જેટલી વસ્તી છે, જેમાંથી એક લાખ જેટલા બ્રાહ્મણો બોરીવલીમાં રહેતા હોવાનો અંદાજ છે.