મરાઠીભાષી જમાઈએ સંભળાવ્યાં જૈન સ્તવનો ને સંથારો સીઝી ગયો

29 December, 2011 07:47 AM IST  | 

મરાઠીભાષી જમાઈએ સંભળાવ્યાં જૈન સ્તવનો ને સંથારો સીઝી ગયો

 

લિવરની બીમારીથી પીડાતાં નિશાબહેને પણ સંથારામાં પતિને સાથ આપ્યો. મૂળ કચ્છના મુંદ્રા તાલુકાના સમાઘોઘા ગામના અને જૈન ધર્મના સ્થાનકવાસી આઠ કોટિ પક્ષ સંપ્રદાયના નલિનભાઈનો સંથારો ૧૧૦ દિવસ બાદ સીઝ્યો હતો તો નિશાબહેનનો સંથારો ૧૩૪ દિવસે શનિવારે સીઝ્યો હતો.


રોજના કાર્યક્રમ મુજબ ઝરણાબાઈ મહાસતીજી અને સમૃદ્ધિબાઈ મહાસતીજી સાંજે આચોલેનગરના કોડાયનગરના ઉપાશ્રયમાં પ્રભુપ્રાર્થના કરાવવા ગયાં હતાં. રોજ સાસુ નિશાબહેનની સેવામાં હાજર રહેતા જમાઈ રાહુલ ફળસેકર પણ જૈન સ્તવન સુંદર રીતે ગાતા હોવાની જાણ મહાસતીજીને કરવામાં આવતાં તેમણે રાહુલને ભજન ગાવા કહ્યું. રાહુલનાં ભજન ચાલુ હતાં ત્યારે જ નિશાબહેનનો સંથારો સીઝ્યો હતો.


નિશાબહેને જમાઈ સમક્ષ અંતિમ ઇચ્છા વ્યક્ત કરતાં અગાઉ જ જણાવ્યું હતું કે તેમની પાલખી ગાલાનગરના તેમના ઘર પાસેથી લઈ જવામાં આવે. તેમની અંતિમ ઇચ્છાને માન આપી પાલખીને ગાલાનગરના તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવી. અહીં થોડો વિરામ આપ્યા બાદ તુલિંજ સ્મશાનભૂમિમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.