અંધેરીમાં સુધરાઈ ઊંઘતી ઝડપાઈ

23 December, 2011 07:05 AM IST  | 

અંધેરીમાં સુધરાઈ ઊંઘતી ઝડપાઈ

 

ગટર પરનાં ઢાંકણાં ન હોવાને લીધે દિવસ-રાત ત્યાંથી પસાર થતા રાહદારીઓ પડે છે અને તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થવું પડે છે. કેટલીક વાર તો ધ્યાન ન રહેતાં રાહદારીઓ ખાડામાં પડે છે અને તેમના દાંત તૂટી જાય છે.

ન્યુ લિન્ક રોડ પર નોર એન્ટરપ્રાઇઝિસ નામની દુકાન ધરાવતા નીતિન પટેલે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ફૂટપાથ પર ગટરનાં ઢાંકણાં છેલ્લા કેટલાક મહિનાઓથી ગુમ છે. સુધરાઈ પાસે ઢાંકણાંનો સ્ટૉક નથી કે બીજું કંઈક છે એ સમજાતું નથી. અમારી સ્ટેશનરીની દુકાનમાં આવતા ગ્રાહકો પણ આવતી વખતે અથવા તો પાછા જતી વખતે સંતુલન ગુમાવતાં એમાં પડે છે અને જખમી થાય છે.

આ મામલે સુધરાઈના અધિકારીઓ પાસે ધક્કા ખાવા જતાં કોઈ દાદ દેતું નથી. જો સુધરાઈ આ બાબતને ગંભીરતાથી લેતું ન હોય તો એનો કોઈ અર્થ નથી. અત્યાર સુધીમાં ગટરમાં પડીને જખમી થયેલા ઘણા લોકોને અમે હૉસ્પિટલમાં દાખલ કર્યા છે. એક જ અન્ડરગ્રાઉન્ડ ગટરનાં એકસાથે આઠથી દસ  ઢાંકણાં ગુમ થઈ ગયાં છે.’

સુધરાઈનું શું કહેવું છે?

ન્યુ લિન્ક રોડ પર ફૂટપાથ પર મોટી સંખ્યામાં ઢાંકણાં ગુમ હોવાની કોઈ પણ પ્રકારની ફરિયાદ દુકાનદારો તરફથી અમને મળી નથી એમ જણાવીને કે-વેસ્ટના વૉર્ડ ઑફિસર રમેશ પવારે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ પ્રકરણે તપાસ કરીને ઢાંકણાં બેસાડવામાં આવશે. સિમેન્ટ કૉન્ક્રીટનાં ઢાંકણાંની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવી છે કે નહીં એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે.’