જુહુમાં સિવરેજ પાઇપલાઇનમાંથી થતું ગળતરનું કારણ સુધરાઈને મળતું નથી

23 December, 2011 07:03 AM IST  | 

જુહુમાં સિવરેજ પાઇપલાઇનમાંથી થતું ગળતરનું કારણ સુધરાઈને મળતું નથી



જુહુમાં આવેલા ગુલમહોર રોડ ક્રમાંક ૧ પર છેલ્લા પાંચ મહિનાથી માર્ગમાંથી સિવરેજ પાઇપલાઇનમાંથી ગળતર થઈ પાણી વહી જતું હોવાથી સ્થાનિક રહેવાસીઓના આરોગ્ય સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. સિવરેજની પાઇપલાઇન ફૂટી ગઈ છે કે શું એ દિશામાં તપાસ કરવામાં સુધરાઈ હજી સુધી અક્ષમ છે. માર્ગ પર ઊભરાતા દૂષિત પાણીને પગલે રાહદારીઓને ચાલવામાં તકલીફ અને સ્થાનિક રહેવાસીઓને મચ્છરોનો ત્રાસ સહન કરવો પડે છે.

ગુલમહોર રોડ ક્રમાંક એક પર આવેલી લીલા સોસાયટીના વૉચમૅન દયાનંદ ઝાએ મિડ-ડે LOCALને હતું કે ‘કદાચ માર્ગની સિવરેજ પાઇપલાઇનમાં છિદ્ર હોઈ શકે. કેટલીક વાર તો નાળાનું એટલું પાણી ઊભરાઈ જાય છે કે લીલા સોસાયટીમાં દૂષિત પાણી પ્રવેશે છે. આનાથી સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે. દરરોજ સાંજે ચાર વાગ્યાથી પાણી માર્ગ પર ફરી વળે છે. રોડ વચ્ચેની ડામરની પટ્ટીમાંથી પાણી લીકેજ થાય છે. આ મામલે લીલા સોસાયટી તેમ જ બાજુના બિલ્ડિંગના રહેવાસીઓએ કે-ઈસ્ટ વૉર્ડમાં ફરિયાદ કરી છે, પરંતુ હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.’

કે-વેસ્ટના વૉર્ડ ઑફિસર રમેશ પવારે જણાવ્યું હતું કે ‘સ્થાનિક રહેવાસીઓની ફરિયાદને ગંભીરતાથી ધ્યાનમાં લઈ અમે તપાસ કરી રહ્યા છીએ. અહીં સિમેન્ટ કૉન્ક્રીટના બનાવાયેલા માર્ગોની નીચેથી અન્ડરગ્રાઉન્ડ  સિવરેજ લાઇન બેસાડવામાં આવી છે. આવી જ રીતે પાણીની પાઇપલાઇનો પણ જાય છે. આ પાઇપલાઇનો વર્ષો જૂની થઈ ગઈ હોવાથી આવી ઘટના અવારનવાર બનતી હોય છે.