મીરા રોડની સ્કૂલમાં ગુજરાતી પાટિયું લાગ્યું તો ખરું, પણ ૧૭ વર્ષ જૂનું

22 December, 2011 07:48 AM IST  | 

મીરા રોડની સ્કૂલમાં ગુજરાતી પાટિયું લાગ્યું તો ખરું, પણ ૧૭ વર્ષ જૂનું

 

 

મીરા-ભાઈંદરની બધી સ્કૂલને ક્રમાંક દેવામાં આવ્યા છે એટલે મહાનગરપાલિકા સંચાલિત દરેક સ્કૂલની ઇમારત પર સ્કૂલનું નામ મરાઠીમાં લખવામાં આવે છે, પરંતુ ગુજરાતી મિડિયમની એક પણ સ્કૂલની ઇમારત પર ગુજરાતી ભાષામાં નામ લખવામાં આવ્યું નથી. જોકે નવાઈની વાત એ છે કે મીરા રોડમાં આવેલી ઉદૂર્ મિડિયમની સ્કૂલની ઇમારતમાં મરાઠી ભાષા સાથે ઉદૂર્ ભાષામાં પણ એનું નામ લખવામાં આવ્યું છે અને એ જ ઇમારતમાં આવેલી ગુજરાતી મિડિયમની સ્કૂલનું નામ મરાઠી ભાષામાં જ લખવામાં આવ્યું છે.

મિડ-ડે LOCALમાં આ અહેવાલ પ્રગટ થયા બાદ કેટલાયે ગુજરાતીઓને ખૂબ આઘાત લાગ્યો હતો જેથી કરીને શિવસેના મહિલા આઘાડી શહેર સંઘટક સ્નેહલ કલ્સારિયા ફરી એક વાર ફરિયાદ કરશે અને જો કંઈ નહીં થાય તો પોતાના ખર્ચે જ ગુજરાતી સ્કૂલની ઇમારત પર ગુજરાતી નામવાળાં પાટિયાં લગાડશે.

આ અઠવાડિયા પહેલાં જ ત્યાં એક પાટિયું મારી દેવામાં આવ્યું છે જેમાં ગુજરાતીમાં સ્કૂલનું નામ લખેલું છે, પણ ઉલ્લેખનીય છે કે આ સ્કૂલ મહાનગરપાલિકા સંચાલિત હોવા છતાં પાટિયા પર ‘અડૉપ્ટેડ બાય રોટરી ક્બલ’ એવું લખવામાં આવ્યું છે.

મિડ-ડે LOCAL દ્વારા મીરા રોડ રોટરી ક્બલના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ રવીન્દ્ર રઘુવંશીને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘અમે ૧૯૯૩માં જ્યારે મીરા-ભાઈંદરમાં નગર પરિષદ હતી ત્યારે સ્કૂલમાં શિક્ષકો અને બાળકોને મદદ કરતા હતા, પણ આ સ્કૂલને ચલાવતા નહોતા. ૧૯૯૬માં શિક્ષણ સમિતિની સ્થાપના થઈ એ બાદ અમારી અહીંની ઍક્ટિવિટી થોડી ઓછી થઈ ગઈ. હવે અમે ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઑગસ્ટે બાળકો માટે મીઠાઈ મોકલીએ છીએ. બે વર્ષ પહેલાં પણ આ સ્કૂલમાં ગુજરાતી ભાષામાં પાટિયું નહોતું અને મિડ-ડે LOCAL દ્વારા મીરા-ભાઈંદરની ગુજરાતી મિડિયમની સ્કૂલોમાં જઈ સર્વે કરવામાં આવ્યો એ વખતે પણ અહીં આવું કોઈ પાટિયું નહોતું તો પછી અચાનક આ પાટિયું અહીં આવ્યું કેવી રીતે અને કોણે લગાડ્યું.’