વર્લ્ડ-ક્લાસ બનવા જઈ રહેલા સીએસટીમાં પારાવાર અગવડો

19 December, 2011 10:22 AM IST  | 

વર્લ્ડ-ક્લાસ બનવા જઈ રહેલા સીએસટીમાં પારાવાર અગવડો



(શશાંક રાવ)

મુંબઈ, તા. ૧૯

વર્લ્ડ હેરિટેજ તરીકે ગણવામાં આવતું સીએસટી (છત્રપતિ શિવાજી ટર્મિનસ) વર્લ્ડ-ક્લાસ સ્ટેશન બનવા તરફ લડત લડી રહ્યું છે ત્યારે સેન્ટ્રલ રેલવેના અધિકારીઓ અમુક સ્ટેશન પ્રિમાઇસિસના અમુક એરિયા જેની અવગણના કરવામાં આવી છે એને ઇમ્પ્રૂવ કરવા માટે બેબી-સ્ટેપ્સ લઈ રહ્યા છે, જે હાલમાં સ્ટેશનના લુક્સને ખરાબ કરી રહ્યાં છે અને આને કારણે પ્રવાસીઓએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

હાલત ખરાબ

પી. ડીમેલો રોડ પૂરો થાય છે ત્યાં સેકન્ડ એન્ટ્રી/એક્ઝિટનું દસ લાખ રૂપિયાના ખર્ચે સમારકામ કરવાનું સેન્ટ્રલ રેલવેના અધિકારીઓ પ્લાનિંગ કરી રહ્યા છે, જે હાલમાં ખૂબ જ ખરાબ હાલતમાં છે અને સીએસટીથી બહારગામની ટ્રેન પકડવા માટે આવતા પૅસેન્જરો દ્વારા એનો ઉપયોગ પણ ઓછો કરવામાં આવે છે. સેન્ટ્રલ રેલવેના અધિકારીના જણાવ્યા અનુસાર હાલમાં સીએસટીનું આ સેક્શન ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે અને એમાં સુધારો લાવવાની જરૂર છે.

કઈ અગવડો છે?

સીએસટીના પ્લૅટફૉર્મ નંબર ૧૭ અને ૧૮ પર જવા માટે અને ત્યાંથી બહાર આવવા માટે આ એન્ટ્રી/ઍક્ઝિટ ખૂબ જ સારી પડે છે, જે સીએસટીમાં થતી ભીડથી થોડે દૂર છે. હાલમાં પૅસેન્જરો માટે વેઇટિંગ રૂમ, ટૉઇલેટ, વૉશરૂમની સુવિધા પણ નથી. પૅસેન્જરોએ સ્ટેશન પર બે કલાકથી પણ વધુ સમય અમુક વાર ગાળવો પડતો હોય છે. કુલી અને શૂ-પૉલિશવાળાઓએ પણ ઈસ્ટ-એન્ડ પર કામ કરવાનો ઇન્ટરેસ્ટ ઓછો દાખવ્યો છે. અહીં બહારગામની ટ્રેનોમાં મોકલાતો લગેજ અને ભારે માલસામાન મૂકવા માટેનો પાર્સલ ડેપો બનાવવામાં આવેલો હોવાથી વિસ્તાર વધુ ગીચ બની જાય છે. મોટા ભાગની બહારગામની ૨૪ ડબ્બાની ટ્રેનો પ્લૅટફૉર્મ નંબર ૧૭ અને ૧૮ પરથી દોડતી હોય છે એમ છતાં ત્યાં જોઈએ એવી સુવિધા નથી.

તાત્કાલિક ચેન્જ જરૂરી

સેન્ટ્રલ રેલવેના જનરલ મૅનેજર સુબોધ જૈને સીએસટીના પ્રિમાઇસિસનો રિવ્યુ કરતાં તાત્કાલિક બદલાવ કરવાનો અને પૅસેન્જરોની સુવિધાઓ પર ધ્યાન આપવાનું જણાવ્યું હતું; જેમાં બિલ્ડિંગમાં રેસ્ટોરાં, વેઇટિંગ રૂમ, પાણીની પરબ અને ટૉઇલેટની સુવિધાનો પણ સમાવેશ થાય છે. પાર્સલ ડેપોને પણ શિફ્ટ કરવામાં આવશે. આ કામ પૂરું કરવામાં દસ લાખ રૂપિયાનો ખર્ચ થશે. આ વિશે ચીફ પબ્લિક રિલેશન ઑફિસર વી. માલેગાંવકરે કહ્યું હતું કે આ કામ છથી આઠ મહિનામાં પૂરું થઈ જવું જોઈએ.

આની સાથોસાથ સેન્ટ્રલ રેલવેના અધિકારીઓ યુનેસ્કો (યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ, સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશન) પાસેથી જરૂરી એવી પરમિશનની મંજૂરી માટે ચર્ચા કરે એવી શક્યતા છે. રેલવેના અધિકારીઓ અમુક નિયમોમાં થોડી છૂટછાટ આપવામાં આવે એવી માગણી કરવાના છે, જેથી ૧૮૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સીએસટીને વર્લ્ડ-ક્લાસ સ્ટેશન બનાવી શકાય.